આયુષ્માન ભારત કાર્ડ માટે ૮ ડોમ અને માં વાત્સલ્ય યોજના માટે ૨૦ ડોમ ઉભા કરાયા: લાભાર્થીઓ માટે ૨૯૫ કીટ તૈયાર કરાઈ: ૧૪ હજાર લાભાર્થીઓનું આયુષ્માન ભારત અને માં વાત્સલ્ય કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શહેરના યાજ્ઞિક રોડ ખાતે આવેલી ડી.એચ.કોલેજ ખાતે રાજયના પ્રથમ આયુષ્માન ભારત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાત્સલ્ય કેમ્પ પણ યોજાશે. તેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. આ મેગા કેમ્પમાં ૧૪ હજાર લાભાર્થીઓનું આયુષ્માન ભારત અને માં વાત્સલ્ય કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમ આજે અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કોર્પોરેશનના દંડક અજયભાઈ પરમાર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કાલે સવારે ડી.એચ.કોલેજ ખાતે યોજાનારા આયુષ્માન ભારત અને માં વાત્સલ્ય યોજના માટેના મેગા કેમ્પનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. મેગા કેમ્પમાં માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ માટે ૨૦ ડોમ અને આયુષ્માન ભારત કાર્ડના લાભાર્થીઓ માટે ૮ ડોમ મળી કુલ ૨૮ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ૨૯૫ કિટ કાર્યરત રહેશે. આ ઉપરાંત રીઝર્વ કિટ પણ લાભાર્થીઓ માટે રાખવામાં આવી છે. માં કાર્ડ માટે ૧૧,૫૦૦ પરીવારો અને આયુષ્માન કાર્ડ માટે ૨૫૦૦ પરીવારનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. લાભાર્થીઓને લાંબો સમય લાઈનમાં ઉભું રહેવું ન પડે તે માટે ફિકસ ટાઈમીંગવાળા અને કલરકોડ સાથેના ટોકન આપવામાં આવ્યા છે. આ ટોકનમાં દર્શાવેલા ટાઈમે જ કેમ્પમાં આવવાનું રહેશે. રેશનકાર્ડમાં પરીવારના જેટલા સભ્યોના નામ હશે તે તમામ સભ્યોએ પોતાના ફોટા પડાવવા માટે અને અંગુઠાનું નિશાન આપવા માટે કેમ્પમાં હાજર રહેવું ફરજીયાત છે. લાભાર્થીઓ માટે વિરાણી હાઈસ્કુલ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મેગા કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ડો.જયમન ઉપાધ્યાય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, ડો.અતુલભાઈ પંડયા, ડો.અમિત હાપાણી, ડો.હિરેન કોઠારી, ડો.પ્રકાશ મોઢા અને વી.ટી.સવાણી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી જયંતીભાઈ ફળદુ ઉપસ્થિત રહેશે.