વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા
માત્ર ત્રણ ચોપડી પાસ મુકેશભાઈની સુઝબુઝ સામે ભલભલા એન્જીનીયરો પણ શરમાઈ જાય…
શોખ બડી ચીજ હૈ… આ ઉક્તિ લગભગ તમામ લોકોએ સાંભળી હશે. ત્યારે રાજકોટમાં માત્ર ત્રણ ચોપડી ભણેલા મુકેશભાઈના શોખે આખા શહેરનું કુતુહલ વધાર્યું છે. મુકેશભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ એન્જીનના મોડલ બનાવ્યા છે. જેમાં ટ્રેન, બુલેટ, છકડા, એસ.ટી. બસ તેમજ આખા વિશ્ર્વમાં રાજકોટનું જાણીતા ડિઝલ એન્જીનનો પણ સમાવેશ થાય છે. નાનકડા એન્જીન બનાવવા પાછળ મુકેશભાઈની સુઝબુઝ મહત્વનો ભાગ ભજવે છે. ભંગાર એટલે કે, પતરા અને લોખંડમાંથી બનાવેલા આ મોડલની કારીગરી એકદમ કમાલ છે. ભલભલા એન્જીનીયરને પણ સરમાવે તેવું મુકેશભાઈનું કામ છે. વર્તમાન સમયે તો તેઓ આ મોડેલ માત્ર શોખ માટે બનાવે છે પરંતુ કોઈ શોખીન વ્યક્તિ તેમની પાસે ખરીદી કરવા આવે તો તેઓ આ મોડેલ વેંચે પણ છે. આ એક મોડેલ પાછળ રૂા.૫ હજાર જેટલો ખર્ચ પણ થતો હોવાનું તેમણે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. રંગીલુ રાજકોટ ઘણી રીતે જાણીતું છે. ખાસ કરીને એન્જીનીયરીંગ ક્ષેત્રે રાજકોટે આપેલો ફાળો ક્યારેય ભુલાય શકે તેમ નથી.
રાજકોટનું એન્જીનીયરીંગ ક્ષેત્રે વિશ્ર્વમાં મોટુ નામ છે. રાજકોટના કારીગરોએ બનાવેલી મિકેનીકલ વસ્તુઓ દેશ-વિદેશમાં નિકાસ થતી હોય છે. આવી સ્થિતિમાં રાજકોટના મુકેશભાઈએ બનાવેલા એન્જીન ખુબ લોકપ્રિય નિવડ્યા છે. તેઓ દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નીમીતે મવડી ચોકડી ખાતે ખાસ પ્રદર્શન પર યોજે છે. જેમાં બુલેટ, ટ્રેન, છકડા સહિતના મોડેલ જોવા લોકો ઠેર-ઠેરથી ઉમટી પડે છે. મોડેલ બનાવવા પાછળ મુકેશભાઈનો ખાસ્સો એવો સમય પણ ખર્ચાય જાય છે. ‘અબતક’ને જણાવ્યા મુજબ મુકેશભાઈને એક ટ્રેનનું મોડલ બનાવવા પાછળ દોઢ મહિના જેટલો સમય લાગે છે. મુકેશભાઈ પોતે ટુલ્સના કારીગર છે. તેમણે ભુતકાળમાં છકડો અને બુલેટ જેવા મોડેલ રૂા.૧ લાખ સુધીમાં વેંચ્યા પણ હોવાનું જાણવા મળે છે.