વસ્ત્રાલ ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: યોજના હેઠળ કામદારોને ૬૦ વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ.૩૦૦૦નું પેન્શન મળશે: યોજનાના ૪૫ કરોડ લાભાર્થીઓ
ભુખ્યા પેટે સુવાની પીડા નથી જાણી તેના માટે ગરીબી માત્ર ફોટો ખેંચવાનો ખેલ: રાહુલને ટોણો
આપની સાથે જોડાયેલા કામ કરતા લોકોને યોજનામાં જોડીને પુણ્ય કમાવવાનો જાહેર અનુરોધ કરતા વડાપ્રધાન
શ્રમિકોએ યોજનાનો લાભ લેવા આવક મર્યાદાનો પુરાવો આપવાની જરૂર નથી કારણ કે મોદીને શ્રમિકોની ઈમાનદારી પર ભરોસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વસ્ત્રાપુર ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કર્યો હતો. આ સાથે તેઓએ જાહેરસભા સંબોધતા વિપક્ષ સામે અનેક વખત નિશાન તાકયા હતા. તેઓએ કહ્યું કે, મુખ્યા પેટે સુવાની પિડા જેમને જાણી નથી તેના માટે ગરીબી માત્ર ફોટો ખેંચવાનો ખેલ છે. ઉપરાંત એવું પણ ઉમેર્યું કે, જે સરકારે ૫૫ વર્ષ ગરીબોના નામે મત લઈને રાજ કર્યું તેને ગરીબો માટે કાંઈ કર્યું નથી જયારે એક ચા વાળાના દિકરાએ માત્ર ૫૫ મહિનામાં ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. સાથે એવું પણ કહ્યું કે, હા હું મજદૂર નંબર વન છું, વડાપ્રધાન મોદીના આ વિધાનથી જાહેર સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ તકે તેઓએ જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત એ વાતનું ગૌરવ લઈ શકે છે કે, અહીંની ધરતી પરથી ઐતિહાસિક યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ ૪૨ કરોડ અસંગઠીત કામદારો લેવાના છે.
આ યોજના થકી તેઓ દેશના ૪૨ કરોડ મજદૂરોના પરસેવાનું તિલક માં મારતીના લલાટે કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ કામદારોને ૬૦ વર્ષની ઉંમર બાદ રૂ.૩૦૦૦નું માસીક પેન્શન મળવા પાત્ર છે. અત્યાર સુધીમાં ૧૪.૫૦ લાખ કામદારો આ યોજનામાં જોડાઈ પણ ગયા છે. ૧૦ થી ૧૫ દિવસ પૂર્વે દેશના ૧૨ કરોડ કિસાનો માટે પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજના શરૂ કરાઈ હતી. બાદમાં આજે ૪૨ કરોડ શ્રમિકો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આજની આ યોજનાનો શુભારંભ કરવાની ક્ષણ તેઓ માટે ભાવુક છે કારણ કે તેઓએ સ્વયંમ અનુભવ કર્યો છે કે કામદારોને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. દેશના કરોડો ગરીબો અને શ્રમિકોના મનમાં હંમેશા એક પ્રશ્ર્ન રહેતો હોય છે કે, જયાં સુધી હાથ-પગ ચાલે છે ત્યાં સુધી કામ મળતું રહેશે અને પૈસા પણ મળશે અને શરીર કમજોર થઈ ગયા બાદ કેવી હાલત થશે ? ગરીબોના ગઢપણના દિવસો ખુબજ પિડાદાયક હોય છે ત્યારે આ યોજના ગરીબો માટે આશિર્વાદરૂપ બનવાની છે.
વડાપ્રધાને કહ્યું કે,આઝાદી પછીની શ્રમિકો માટેની આ સૌપ્રથમ મોટી યોજનાઓ છે. મજદૂર એ સમાજનો એવો વર્ગ છે જેના વિશે આજ સુધી સરકારે વિચાર્યું ન હતું. જેને તેના નશીબ પર છોડવામાં આવ્યા હતા. જેના નામ પર રાજનીતિ થવા લાગી તેવા કામદારો માટે સરકારે એકેય યોજના બનાવી ન હતી. ગરીબોના નામે ૫૫ વર્ષ સુધી રાજ કર્યું તેને આ પ્રકારે યોજના બનાવવાનો વિચાર પણ આવ્યો ન હતો. ત્યારે માત્ર ૫૫ મહિનામાં એક ચા વાળાના દિકરાએ મજદૂરોની પિડા જાણી તેના માટે યોજના બનાવી છે.
મોદીએ વિપક્ષ સાથે પ્રહાર કરતા જણાવ્યું કે, જે સરકારે દશકો સુધી રાજ કર્યું તે સરકારના નેતાઓ ગરીબીને માનસીક અવસ્થા સમજતા હોવાનું જાહેર ભાષણોમાં જણાવી રહ્યાં છે. જેના માટે ગરીબી એક ફોટો ખેંચવાનો ખેલ હોય જેણે કોઈ દિવસ ભુખ્યા પેટે સુવાની પિડા જાણી નથી તેના માટે ગરીબી એક માનસીક અવસ્થા હોઈ શકે છે. અમારા માટે તો ગરીબી એ મોટી ચૂનોતી છે. વડાપ્રધાને યોજના વિશે જણાવ્યું કે, આ યોજનામાં જોડાવું ખુબજ સરળ છે. ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના કામદારો આ યોજનામાં જોડાઈ શકે છે.
જેઓની માસીક આવક ૧૫ હજાર સુધીની હોય તેઓને આ યોજનાનો લાભ મળશે. શ્રમિકોના ખાતામાંથી જેટલુ અંશદાન લેવાશે તેટલું સામે સરકાર પણ બેંકમાં જમા કરાવીને શ્રમિક ૬૦ વર્ષની ઉંમરનો થાય ત્યારબાદ તેને માસીક રૂ.૩૦૦૦નું પેન્શન આપવામાં આવશે. શ્રમિકોને કોઈ કાગળના ચકકરમાં પડવું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રમિકોએ પોતાના આધાર નંબર અને જનધન ખાતા નંબર જ નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જમા કરાવીને ફોર્મ ભરી દેવાનું રહેશે.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, શ્રમિકોએ પોતાની આવક મર્યાદાનું પ્રમાણપત્ર આપવાની જ‚ર નથી કારણ કે મોદીને શ્રમિકોની ઈમાનદારી પર પુરો ભરોસો છે. જે શ્રમિકોને યોજનામાંથી અધવચ્ચેથી નીકળવું હશે તેના માટે પણ સુવિધા રાખવામાં આવી છે. જે શ્રમિકો વચ્ચેથી નીકળશે તેને વ્યાજ સાથે પોતાના જમા કરેલા પૈસા પરત આપી દેવામાં આવશે. અંતે વડાપ્રધાને જાહેર અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પોતાની આસપાસના વિસ્તારમાં કામ કરતા કામદારોને આ યોજનામાં જોડીને લોકો પુણ્યનું ભાથુ બાંધી શકે છે.
નોંધનીય છે કે, આ યોજનાનો લાભ બાંધકામ શ્રમયોગીઓ, આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, પીએમ જેજેબીવાય, પીએમ એસબીવાયના લાભાર્થીઓ, ખેત મજૂરો, રીક્ષા ચાલકો, આશાવર્કરો,એપીએમસીમાં કામ કરતા મજૂરો, મધ્યાહન ભોજનના વર્કરો, ફેરીયાઓ, બીડી વર્કરો, ઘરેલુ કામદારો, હેન્ડલુમ કારીગરો, આંગણવાડી વર્કરો તેમજ હોમ બેઈઝ વર્કરો લાભ લઈ શકશે.