મેટાની સત્તાવાર જાહેરાત : અમુક અઠવાડિયામાં આવી જશે અપડેટ
વોટ્સએપએ તેના યૂઝર્સને વધુ એક ભેટ આપી છે. જે હેઠળ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર હવે યૂઝર્સને વધુ એક શાનદાર ફીચર્સ મળશે. આ નવા ફીચર્સની મદદથી હવે યૂઝર્સ એક જ એકાઉન્ટને એકસાથે અનેક ફોન પર ચલાવી શકશે. વોટ્સએપએ આ માહિતી આપી હતી.
મેટાની માલિકી હેઠળના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપએ કહ્યું કે આ ફીચર આખી દુનિયામાં ચલાવવાનું શરૂ કરી દીધું છે અને અમુક અઠવાડિયામાં તે દરેક માટે ઉપલબ્ધ થઈ જશે. પ્લેટફોર્મએ જણાવ્યું કે આજે અમે એક વોટ્સએપ એકાઉન્ટને અનેક ફોન પર એકસાથે ચલાવવાની સુવિધા શરૂ કરી રહ્યા છીએ.
યૂઝર્સ વતી લાંબા સમયથી આ ફીચરની માગ કરવામાં આવી રહી હતી. તેનાથી તે પોતાના ફોનને ચાર વધારાના ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકશે જેમ કે વોટ્સએપને વેબ બ્રાઉઝર, ટેબલેટ અને ડેસ્કટોપ પર કનેક્ટ કરે છે. વોટ્સએપ દ્વારા જણાવાયું હતું કે વોટ્સએપ એકાઉન્ટ સાથે કનેક્ટ દરેક ફોન સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોના પર્સનલ મેસેજ, મીડિયા અને કોલ ફક્ત તે પોતે અને તેમની કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો જ જાણી શકે.
વોટ્સએપએ એક નિવેદન જાહેર કરીને એવી પણ માહિતી આપી હતી કે જો કોઈ યૂઝર્સ લાંબા સમયથી તેના મૂળ ડિવાઈસમાં એક્ટિવ નહીં રહે તો વોટ્સએપ દ્વારા અન્ય તમામ એક્ટિવ ડિવાઈસમાંથી એકાઉન્ટને આપમેળે લોગઆઉટ કરી દેવામાં આવશે.