તાપમાનનો પારો ૪૧ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના: સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીથી જનજીવન અકળાયું: આકાશમાંથી અગન વર્ષાથી લોકો ત્રાહિમામ
ચાલુ સાલ ઉનાળાની સીઝનમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજયભરમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગઈકાલે પણ રાજકોટનું તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાતા રાજયનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. જો કે ઓરેંજ એલર્ટ બાદ હવે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય. આજે શહેરમાં ગરમીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો નોંધાય તેવી સંભાવના જણાય રહી છે. કાળઝાળ ગરમીથી સૌરાષ્ટ્રભરમાં જનજીવન રીતસર અકળાઈ ગયું છે. આકાશમાંથી જે રીતે અગનવર્ષા થઈ રહી છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ગઈકાલે ગુ‚વારે રાજકોટનું મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન ૪૨.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૨.૩ ડિગ્રી, ભુજ ૪૨ ડિગ્રી, અમદાવાદ ૪૨ ડિગ્રી, ગાંધીનગર ૪૨.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આજે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આજે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના જણાય રહી છે. ગઈકાલે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહેતા શહેરભરમાં અલ્ટ્રા વાયોલેટ ઈન્ડેક્ષનું પ્રમાણ ખુબજ વધી ગયું હતું. અમુક સ્થળોએ યુવી ઈન્ડેક્ષ ૧૦ આસપાસ પહોંચી ગયો હતો. જેના કારણે લોકોની ચામડીઓ રીતસર બળતી હતી. જે રીતે શહેરમાં યુવી ઈન્ડેક્ષ વધી રહ્યો છે તે શહેરીજનો માટે ખતરાની ઘંટડી સમાન છે. હિટવેવમાં શહેરીજનો માટે મહાપાલિકા દ્વારા ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે અને ૩-પીનો ક્ધસેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આજે રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ગરમી ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરે તેવી પણ પ્રબળ સંભાવના જણાય રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને અમરેલી જયારે સુરતમાં પણ હિટવેવની આગાહી આપવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. ગરમીના કારણે રાજયભરની સરકારી શાળાઓમાં સમયમાં ફેરફાર કરવા પણ છુટછાટ આપી દેવામાં આવી છે. હજુ તો એપ્રિલ માસ ચાલી રહ્યો છે ત્યાં સુર્ય નારાયણ આગ ઓકી રહ્યાં છે. મે માસમાં રાજયમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડે તેવી પણ હાલ પ્રબળ સંભાવના જણાય રહી છે.