મીડિયા તેની મર્યાદા મુકે તો અનર્થ સર્જાય
લોકતંત્રના લોકશાહીની ‘ચોથી જાગીર’ અખબારી આલમ, સમાચાર માધ્યમ અને પત્રકારત્વ માટેની સ્વાયતતા સ્વછંદતા ન જ બનવી જોઈએ
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અખબારી આલમ અને હવે મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભનું માન આપવામાં આવે છે. લોકતંત્રમાં સમાચાર માધ્યમો અને પત્રકારત્વ પણ બંધારણ દ્વારા સંપાદિત વિશાળ સત્તા અધિકાર ભોગવે છે. ત્યારે ક્યારેક-ક્યારેક માધ્યમો અને ખાસ કરીને પત્રકારત્વ પર નિષ્ઠાના અભાવનું પીળુ આવરણ ચડી જાય અને મળેલી સત્તાના અતિરેક સર્જાય ત્યારે મોટા અનર્થ સર્જાય છે.
લોકતંત્રમાં વિશાળ બંધારણની શક્તિ ધરાવતા પત્રકારત્વનેે નિશ્ર્ચીતપણે તેની મર્યાદા અને લક્ષ્મણ રેખાથી સતતપણે સજાગ રહેવું જોઈએ. પીળા પત્રકારત્વને પણ સજા થવી જ જોઈએ અને તેમની સ્વાયતતા સ્વછંદતા ન બને તે માટે સતતપણે સાવચેતી રાખવી જોઈએ. દેશભરમાં ખુબજ ચર્ચાસ્પદ બનેલા પત્રકાર અર્નબ ગોસ્વામીને અંતે કાયદાના સકંજામાં લઈ લેવાયો હતો.
પીળા પત્રકારત્વથી કેવા કેવા અનર્થ સર્જાય છે તેવા માધ્યમો અને લોકતંત્ર માટે ચોકાવનારા અર્નબ ગોસ્વામીના કિસ્સામાં છેલ્લે કાયદો અને બંધારણની શક્તિ શું છે તે સમાજ સમક્ષ આવી ગઈ છે. કાયદાનો પાવર શું છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ, કાયદો અને બંધારણ સર્વોપરી અને માઈબાપ છે. તેની સામે થનારા તમામ ઉધામા સુરત સામે ધુળ ઉડાવવા જેવું છે. કાયદાની મર્યાદા સામે કોઈ કંઈ વિસાત નથી. બંધારણે લોકતંત્રમાં પત્રકારત્વને વિશાળ સત્તા અને અધિકારો આપ્યા છે પરંતુ આ સ્વાયતતા ક્યારેક સ્વછંદતા બની જાય ત્યારે ઘણા અનર્થ સર્જાય છે. દેશભરમાં ખુબજ ચર્ચાયેલા, વગોવાયેલા અને આઘાતજનક બનેલા અર્નબ ગોસ્વામી પ્રકરણમાં અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું અને કાયદાના હાથ અર્નબ ગોસ્વામી સુધી પહોંચી ગયા. બુધવારે સાંજે ૬ વાગ્યે શ થયેલી અર્નબ ગોસ્વામીની ધરપકડની કાર્યવાહી પરિણામ સુધી પહોંચે ત્યાં સુધી ચાલી હતી. અર્નબ ગોસ્વામીને તેના ઘરમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો અને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નવેમ્બર ૧૮ સુધી ૧૪ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો હતો. અર્નબની ધરપકડ અંગે જારી થયેલા વીડિયો ક્લીપે સોશિયલ મીડિયા પર ભારે ધુમ મચાવી છે. અર્નબ ગોસ્વામીએ પોતાના ધરપકડ અને પોલીસ સામે બળ પ્રયોગનો આક્ષેપ કર્યો છે. પોલીસે તેના પુત્ર પર પણ બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અર્નબ સામે મહિલા પોલીસ કર્મચારીને ધક્કે ચડાવી ફરજમાં કાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે મેડિકલ રિપોર્ટની ચકાસણી બાદ અર્નબે કરેલા મારકુટ અને ઈજાના દાવાને અસ્વીકાર્ય કર્યા હતા.
અર્નબ ગોસ્વામી સામે અનવય નાયક (ઉ.વ.૫૩) અને તેની વયોવૃદ્ધ માતા ૫.૪ કરોડના નાણાકીય વ્યવહાર સબબ આપઘાત કરી લીધાના બનાવ અંગે ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે પોલીસે રાજ્યના ગૃહમંત્રીના નિર્દેશ હેઠળ અર્નબની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. તેની સામે અર્નબ ગોસ્વામીએ ધરપકડ ટાળવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યા હતા. બુધવારે મોડી રાત્રે અર્નબ ગોસ્વામીએ બોમ્બે હાઈકોર્ટમાં હેબીએસ કોપર્સ દાખલ કરીને તેની ધરપકડની તજવીજને ગેરકાનૂની ઠેરવવા પ્રયાસ કર્યો હતો.
અનવય નાયક અને તેની માતા કોમુદીબેન અલીબાગના ફાર્મહાઉસમાં ૫-મે ૨૦૦૫માં મૃત મળી આવ્યા હતા. નાયકના પત્ની અક્ષતાએ ફરિયાદ કરીને અર્નબ ગોસ્વામી સામે ફરિયાદ કરી હતી. અર્નબ ગોસ્વામીની ધરપકડ અને પોલીસના બળપ્રયોગના આક્ષેપો સામે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, કલમ ૩૫૧ અન્વયે આ કાર્યવાહી થઈ છે. અર્નબ સામે નોંધાયેલા વધારાના ગુનાની ત્રર મહિનાની સજાની જોગવાઈ છે.
અર્નબ ગોસ્વામીએ પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી લીધા, તેની ધરપકડ કરવા ઘરે પહોંચેલી પોલીસે દરવાજો ખખડાવ્યા બાદ એક કલાક સુધી અર્નબે દરવાજો ખોલ્યો ન હતો અને દરવાજો ખોલ્યા પછી પણ પોલીસને સહકાર આપવાના બદલે તેની સામે પ્રતિકાર કર્યો હતો. જવાબદાર પત્રકાર માટે કાયદાનું સન્માન અને પોલીસની કાર્યવાહીને સહકાર આપવાની અપેક્ષામાં અર્નબ ગોસ્વામી ઉણા ઉતર્યા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભારતના લોકતાંત્રીક બંધારણમાં પત્રકાર અને પત્રકારત્વને લોકતંત્રના જવાબદાર પરિબળ તરીકેનું સન્માન અને સત્તા આપવામાં આવી છે ત્યારે પત્રકાર જ્યારે સ્વાયતતા અને સ્વછંદતામાં ભેદ ઓળખવામાં ભૂલ કરી બેસે તો કેવા મોટા અનર્થ સર્જાય છે. પત્રકારત્વને મળેલી સ્વાયતતા અને તેની ગરીમા જળવાવી જોઈએ આ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર પત્રકારને સજા થવી જ જોઈએ. જવાબદાર જ્યારે બેજવાબદાર બને તો તે ઘટના સામાન્ય અપરાધની શ્રેણીમાં ન આવે. લોકતાંત્રીક વ્યવસ્થામાં પત્રકારત્વને ચોથી જાગીરનું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે ચોથી જાગીરના પ્રત્યેક જવાબદાર વ્યક્તિ એવા પત્રકારને કાયદાનું સન્માન, તેની મર્યાદા અને સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી હોવી જોઈએ. જ્યારે જ્યારે પત્રકારત્વ તેની ગરીમા વિસરી જાય ત્યારે પોતાના માટે અને તેનાથી પણ વધુ સમાજ અને દેશ માટે ઘાતક બની રહે છે. અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ તેની ૧૪ દિવસની રિમાન્ડ અદાલતે મંજૂર કરી છે. પીળુ પત્રકારત્વને પણ અવશ્યપણે સજા માટે તૈયાર રહેવું જોઈએ. અર્નબને ૧૪ દિવસના રિમાન્ડ પર લેવાયો છે.