એવી ધૂન આપણા પ્રચાર માધ્યમમાં સારીપેઠે જોર-જુસ્સા વડે ચગાવાઈ રહી છે.. એનું મૂળ તો આપણા દેશની વિવિધ ક્ષેત્રે સિધ્ધિઓને તેમજ ‘જીતો’ને સ્પર્શે છે, જે કલા-સૌન્દર્યથી માંડીને ક્રિકેટ-ક્ષેત્રને અને લશ્કરની ત્રણેય પાંખો નીપુણતાને આવરી છે. હવે એની સાથે કોરોના-વાયરસના હાહાકારને જોડવામાં આવેલ છે. અને એને પણ જીતી જવાનો રણકો છે, ને લલકાર છે.
અહી એ સવાલ પેદા થયાવિનારહેતો નથી કે, આ વખતના યુધ્ધને તત્કાલ જીતી આપે એવા યુધ્ધકીય વ્યૂહમાં આપણી સરકારો છે તો સાચી દિશામાને ?
આપણી વર્તમાન સરકારે કોરોના સામેનાં યુધ્ધને જીતી જવાનો જે જુસ્સો અને જે જોમ દાખવ્યા છે તે શાબાશીના અધિકારી છે એનો ભાગ્યે જ કોઈ ઈન્કાર કરી શકે તેમ છે. પરંતુ હમણા સુધીની ફલશ્રુતિ ‘યે દિલ માંગે મોર’ જેવી રહી છે.
‘અતીત’ની આપણા દેશની સિધ્ધિઓ ‘યે દેશ હૈ વીર જવાનો કા’માં વર્ણવાયેલી સિધ્ધિઓને ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમી ચીતર્યા વિના રહેતી નથી !… ‘સોનામાં સુગંધ ભળે’ એવો ઘાટ ઘડાવાની સ્થિતિ હજુ બાકી જ રહી છે એમ આખા દેશે કબૂલવું પડે તેમ છે !
અયોધ્યા-મંદિરનો નિર્માણોત્સવનું સર્વાંગી સ્વરૂપ ‘કાબીલે દાદ’ અને ‘ભવ્યાતિભવ્ય’ બની રહે એ અવસરની રાહ જોવાય છે.
‘યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલોકા, મસ્તાનોકો, યોધ્ધાઓકા…’ એ ધૂનને આપણા દેશની હાલની ધૂન અત્યારની ધૂન બનાવી દેવાની આપણા સત્તાધીશોએ જરૂર હતી. હવે ‘કોરોના’એ એમ કરવાની ફરજ પાડી છે.
અહીં એ એવો પ્રશ્ર્ન જાગે છે કે, આપણા ધમાકેદાર અને જાજરમાન ભૂતકાળની ઉજજવળતાને એની એજ સરકાર હોવા છતાં ઓચિંતી કાળમુખી ઠેસ કેમ લાગી ? કોનાં પાપે આમ બન્યું ? કોના વાંકે આપણા દેશની ગરીબીની નાબુદીની સૌથી મુખ્ય સમસ્યા હળવી બનવાને બદલે વધુ વણસી અને વકરી?
આપણો દેશ ભ્રષ્ટાચાર સામેનું યુધ્ધ હારી ગયો, મતિ ભ્રષ્ટતાએ આ દેશનું બેસુમાર અધ:પતન સર્જયું, ભેળસેળનાં અનિષ્ટની સામે પણ આપણા દેશે જબરી હાર ખમવી પડી, અને સામાજિક દુરાચારોએ એનું ધનોતપનોત નોતર્યું… એ બધું શું સત્તાધીશોનાં વાંકે નથી થયું?
આપણા દેશમાં પ્રમાણિકતા અને પવિત્રતાની તમામ ક્ષેત્રે ઘોર ખોદાઈ છે. દેશભકિતનો દુકાળ પડયો છે. દેશદાઝ મરી પરવારી છે. ઓછામાં પૂરૂ આપણાદેશમાં સત્તાધીશોએ લોકશાહી શાસન પધ્ધતિનું ગળું ઘોટી દેવાયું છે. અને તાનાશાહી પ્રજાતંત્રની છાતી ઉપર ચઢી બેઠી છે.
આપણા દેશમાં ચૂંટણીઓ થાય છે. પણ એની પવિત્રતા અને પ્રમાણિકતા શંકા-કુશંકાઓથી મૂકત નથી.લોકશાહીમાંથી પ્રજાનો વિશ્ર્વાસ ઉઠી ગયો હોવાની બૂમરાણ પ્રવર્તે છે ! ચૂંટણીઓને રાજગાદીલક્ષી રાજકારણે બેસુમાર કલૂષિત કરી છે.ભ્રષ્ટાચારનો ઉકરડો રાજગાદીલક્ષી રાજકારણની, અર્થાત્ ભષ્ટ રાજકારણીઓની ભેટ મનાય છે. આ બધું ઉઘાડે છોગે થતું રહે છે.
આને કારણે આખું વહિવટીતંત્ર કમજોર બને છે. ગુનાખોરી માઝા મૂકે છે અને ગુંડાઓ અપરાધીઓનો રાફડો ફાટે છે.
પ્રજાના પ્રતિનિધિઓ પૈકી કેટલાક તો માયકાંગલા પૂરવાર થાય છે. આતંકી પરિબળો ખૂલ્લેઆમ ફરે છે.
આપણા દેશની આ કમનશીબી છે કે, અત્યારે ‘યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલોકા, મસ્તાનોકા, યોધ્ધાઓકા, હમ જીતેંગે’ જેવા લલકાર આ મતિભ્રષ્ટ દેશમાં આથમી ગયા છે.
જો આવી હલકટાઈ વહેલી તકે નહિ અટકાવાય અને જો કોઈ ક્રાંતિવીર મેદાનમાં નહિ આવે તો આ દેશનું સ્વાતંત્ર્ય જોખમાવાનો વખત આવશે એમ સખેદ કહેવું પડે છે !