શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેનો ત્રણ વાગ્યાથી પ્રારંભ થઈ ગયો છે. શ્રીલંકા સામેની વન-ડે સીરીઝ આમ તો ભારતે 2-0 જીતી લીધી છે. પરંતુ આજે સીરીઝની અંતિમ ત્રીજી વન-ડેમાં ક્લીન સ્વીપના ઈરાદા સાથે ભારતની ટીમ મેદાનમાં ઉતરી છે. ટોસ જીતી ભારતે પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું છે. શિખર ધવનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે આર.પ્રેમાદાસા સ્ટેડિયમમાં અંતિમ વન-ડે રમી રહી છે. અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયા દ્વારા રેકોર્ડબ્રેક 5 બદલાવ કરવામાં આવ્યા છે. એક સાથે પાંચ ખેલાડીઓ આજે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં સ્ટાર બોલર રાહુલ ચહર, ચેતન સાકરીયા, કૃષ્ણપા ગૌતમ અને સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા અને સંજુ સેમસન મેદાને ઉતર્યા છે.
ટીમ ઈન્ડિયામાં એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓનું વન-ડે ડેબ્યુ
ચેતન સાકરીયા, રાહુલ ચહર, કૃષ્ણપા ગૌતમ, નીતિશ રાણા અને સંજુ સેમસન પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમશે: બીસીસીઆઈએ પાંચેય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા
ટીમ ઈન્ડિયામાં આજે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને પાંચ ખેલાડીઓ પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમવા જઈ રહ્યાં છે. અંતિમ વન-ડે સીરીઝમાં ડેબ્યુ કરનાર પાંચેય ખેલાડીઓને બીસીસીઆઈએ અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો વધુ એક ખેલાડી ટીમ ઈન્ડિયામાં સામેલ થયો છે. ભાવનગરના ફાસ્ટ બોલર એવા ચેતન સાકરીયાને આજે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી રમતા ચેતન સાકરીયાએ બોલીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ ર્ક્યો હતો. જેને લઈ આજે તેઓએ ટીમ ઈન્ડિયા તરફથી રમવાનો મોકો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોલકત્તા નાઈટ રાઈડર્સના સ્ટાર યુવા બોલર વરૂણ ચક્રવર્તીએ પોતાની સ્પીન બોલીંગના અંદાજથી અનેકના દિલ જીત્યા છે. તેમજ ઘણા લાંબા સમયથી સંજુ સેમસન ટીમ ઈન્ડિયામાં રમવા માટે મથામણ કરી રહ્યો હતો. આજે ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસન પર ભરોસો મુક્યો છે અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યુ છે. સાથો સાથ કૃષ્ણપા ગૌતમ અને રાહુલ ચહર કે જે મુંબઈ ઈન્ડિયનના સર્વશ્રેષ્ઠ સ્પીનર તરીકે ઉભરી આવ્યા છે તેઓને પણ આજે રમવાનો મોકો મળ્યો છે.
ગુજરાતના વધુ એક ખેલાડી ચેતન સાકરીયાએ ઈન્ડિયા માટે આજે રમવાના છે ત્યારે ગુજરાત માટે ગૌરવની વાત છે કે, છેલ્લા ઘણા સમયથી મોટાભાગના ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દેશ માટે રમી રહ્યાં છે. સાથો સાથ આજે ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓના વન-ડે ડેબ્યુ કરી જીતના ઈરાદા સાથે ક્લીન સ્વીપ માટે મેદાનમાં ઉતરી છે.
ટીમ ઈન્ડિયા: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, સંજુ સેમસન (વિકેટ કિપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), નીતિશ રાણા, કૃષ્ણપા ગૌતમ, રાહુલ ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.