સૌથી વધુ શાળા નં.93માં 73 વિદ્યાર્થીઓનો પ્રવેશ
ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર નીચું હોય તેવી વાલીઓની માન્યતાને ખોટી સાબિત કરતા સમાચાર મળી રહ્યા છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શહેરની અલગ-અલગ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા 992 વિદ્યાર્થીઓએ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 84 શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 35 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ચાલુ સાલ બોર્ડના પરિણામમાં પણ કોર્પોરેશનની હાઇસ્કૂલનું પરિણામ નોંધપાત્ર રહ્યું હતું.
સામાન્ય રીતે સારૂં શિક્ષણ મેળવવા માટે વાલીઓ પોતાના બાળકોને સર્વશ્રેષ્ઠ શાળામાં ભણવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત સુધરી રહ્યું છે. શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી ઇંગ્લીશ મિડીયમની શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે સતત પડાપડી થતી હોય છે. પ્રવેશ આપવા માટે ડ્રો પ્રક્રિયા હાથ ધરવી પડે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોર્પોરેશનની 84 શાળાઓમાં 992 એવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે કે જે અગાઉ શહેરની શ્રેષ્ઠ ગણી શકાય તેવી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. પોતાના બાળકને સારૂં શિક્ષણ મળી રહે તે માટે તોતીંગ ફી ચૂકવતા વાલીઓ માટે આ એક પ્રેરણાદાયક બાબત છે. શાળા શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજી કોર્પોરેશનની શાળાઓમાં ખાનગી શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.
ખાનગી શાળાઓમાંથી કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવનાર ટોપ-5 સ્કૂલ પર નજર કરવામાં આવે તો શાળા નં.93માં સૌથી વધુ 73 વિદ્યાર્થીઓ, શાળા નં.90માં 55 વિદ્યાર્થીઓ, શાળા નં.96માં 61 વિદ્યાર્થીઓ, શાળા નં.32માં 41 વિદ્યાર્થીઓ, કોઠારીયા તાલુકા શાળામાં 40 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે તમામને શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળામાંથી કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પાછળ એક બીજું કારણ પણ જવાબદાર છે. લોક ડાઉન અને કોરોના કાળમાં અનેક પરિવારોની આર્થિક સ્થિતિ થોડા ઘણા અંશે કથળી છે. આવામાં કેટલાય પરિવારો ફી ભરવા માટે હવે સક્ષમ રહ્યા નથી. જેના કારણે તેઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ અર્થે મૂકી રહ્યા છે.