યાંત્રિક આઈટમોના પ્લોટમાં ૨.૦૫ લાખી ઉંચી બોલી ન બોલાતા હરરાજી ઠપ્પ: ગત વર્ષેથી ઉંચી કિંમત આવે તો જ રાઈડસના પ્લોટ આપવા તંત્રનું કડક વલણ
આગામી ૧લી સપ્ટેમ્બરથી યોજાનારા ગોરસ લોકમેળામાં ફજત, ફાળકા, ચકરડીના યાંત્રીક પ્લોટની હરરાજીમાં છેલ્લા ચાર દિવસથી આવેલ વિઘ્ન આજે પણ યથાવત રહ્યું છે. યાંત્રીક આઈટમોના ધંધાર્થીઓ દ્વારા હરરાજીમાં સૌથી ઉંચી બોલીમાં ૨.૦૫ લાખની જ બોલી બોલવામાં આવતા તંત્રએ હરરાજી અટકાવી દઈ ગત વર્ષ જેટલા ભાવ આવે તો જ પ્લોટ આપવાનું મક્કમ વલણ અપનાવ્યું હતું. જો કે, સામે પક્ષે ધંધાર્થી પણ ઉંચી બોલી બોલવાના મુડમાં ન હોય આ મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોરસ લોકમેળામાં જુદી જુદી યાંત્રીક આઈટમો માટેના ૪૫ પ્લોટ માટે છેલ્લા ચાર દિવસથી યોજાઈ રહેલી હરરાજીમાં રોજે-રોજ નિતનવા ફણગા ફૂટી રહ્યાં છે જેમાં અગાઉ જીએસટીનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયા બાદ પુન: હાથ ધરાયેલી હરરાજીમાં યાંત્રીક આઈટમોના ધંધાર્થી દ્વારા મોઘવારી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, મફતમાં બેસતા તત્ત્વો વગેરેના કારણો આગળ ધરી પ્લોટની હરરાજીમાં સૌથી ઉંચી બોલી ૨.૦૫ લાખની જ બોલતા તંત્ર દ્વારા હરરાજી અટકાવાઈ હતી.
વધુમાં તંત્ર દ્વારા ગત વર્ષે ૪૫ પ્લોટની કુલ આવક ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયા કિંમત ઉપજી હતી જેની સરેરાશ મુજબ દરેક પ્લોટની ૩ લાખી વધુ કિંમત ઉપજવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો છે. તો સામાપક્ષે યાંત્રીક આઈટમોના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વટમાં ને વટમાં ધંધાર્થીઓ ઉંચી બોલી બોલ્યા હતા પરંતુ આ ભાવમાં ધંધો પરવડી શકે તેમ નથી.
વધુમાં યાંત્રીક આઈટમોના ધર્ંધાી હારૂનભાઈએ જણાવ્યું હતું કે, ૧ યાંત્રીક પ્લોટ દીઠ ૨ થી ૨.૫ લાખ તંત્રને ચૂકવ્યા બાદ ૧૫ હજારથી વધુનો જીએસટી ખર્ચ, ૫૦ હજાર જેટલું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને લટકામાં મફતમાં મજા માણવા આવતા લોકો તો ખરા જ આ ઉપરાંત રાઈડસના કર્મચારીઓના પગાર, ભથ્થા વગેરે મળીને ગણતરી કરીએ તો દૈનિક સરેરાશ ૩ હજાર લોકો રાઈડસમાં બેસે તો પણ ૩૦ રૂપિયા લેખે યાંત્રીક આઈટમોના ધર્ંધાીને યાંત્રીક પ્લોટની બેઠી કિંમત જેટલો ખર્ચ થાય છે.
દરમિયાન યાંત્રીક આઈટમોના પ્લોટ મામલે તંત્ર અને ધંધાર્થીઓ જીદ પર આવી ગયા છે ત્યારે વચલો રસ્તો કાઢવા માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆતનો દોર ગયો છે ઉપરાંત લોકમેળા સમીતીના અધ્યક્ષ અને નાયબ કલેકટર પટેલ દ્વારા પણ યાંત્રીક આઈટમોની હરરાજીને લઈ જિલ્લા કલેકટરનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.