ગરિમાપૂર્ણ પદ માટે બિન રાજકીય વ્યક્તિત્વની બદલે રાજકીય કારકિર્દીવાળા બન્ને ઉમેદવારોની પસંદગી કરાય

રાષ્ટ્રપતિ પદ અત્યંત ગરીમાભર્યું છે. માટે રાષ્ટ્રપતિ તરીકે મારા- તારા નહિ પણ આપણા વ્યક્તિ તરીકે શપથ ગ્રહણ કરે તે જરૂરી છે. પણ આ મુદ્દો વિસરાય ગયો હોય તેવું સ્પષ્ટ બન્યું છે.  રાજેન્દ્ર પ્રસાદ અને અબ્દુલ કલામ જેવા બિન રાજકીય વ્યક્તિત્વને બદલે વિપક્ષે રાજકીય પક્ષ સાથે જોડાયેલા યશવંત સિન્હા તો એનડીએએ દ્રૌપદી મુર્મુને મેદાનમાં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર હશે.  બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા વિપક્ષના ઉમેદવાર હશે. ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ મંગળવારે પક્ષ પ્રમુખ જેપી નડ્ડલે મુર્મુના નામની જાહેરાત કરી હતી.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યોએ સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપી હતી.

બેઠક બાદ પત્રકારોને સંબોધતા નડ્ડાએ જણાવ્યું હતું કે સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને 20 નામો પર ચર્ચા કરવામાં આવી હતી અને અંતે એ વાત પર સહમતિ સધાઈ હતી કે એનડીએ દ્વારા આ બંધારણીય પદ માટે દેશના પૂર્વીય ક્ષેત્રમાંથી એક મહિલાની પસંદગી કરવામાં આવે.  તેમણે કહ્યું કે આજ સુધી કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે આવ્યા નથી, તેથી એનડીએએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો છે.  નડ્ડાએ કહ્યું કે રાજનાથ સિંહ અને તેમને પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને લઈને વિવિધ પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.  “અમે તમામ પક્ષો સાથે વાત કરીને અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સર્વસંમતિ બનાવીને આગળ વધવા માંગીએ છીએ,”  બીજેપી અધ્યક્ષે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર સર્વસંમત હોવો જોઈએ, પરંતુ યુપીએએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.  જો મુર્મુ આ ચૂંટણીમાં જીતશે તો તે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત 13 વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાના નામ પર સહમત થયા છે.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠક માટે સંસદ ભવન ખાતે એકત્ર થયેલા વિપક્ષી નેતાઓ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.  અગાઉ, યશવંત સિન્હાએ તૃણમૂલ કોંગ્રેસ છોડવાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે તેઓ હવે વધુ વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે કામ કરશે.  કોંગ્રેસ નેતા જયરામ રમેશે બેઠક બાદ સંયુક્ત નિવેદન વાંચ્યું હતું કે અમે સર્વસંમતિથી યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિરોધ પક્ષોના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.  જયરામ રમેશે ભાજપ અને તેના સાથી પક્ષોને યશવંત સિંહાને સમર્થન આપવાની અપીલ કરી હતી.  આ સાથે તેમણે કહ્યું, ’અમને અફસોસ છે કે મોદી સરકારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે સર્વસંમતિ બનાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કર્યા નથી.’  રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સ્થપાયેલી વિપક્ષી પાર્ટીઓની એકતા આગામી મહિનાઓમાં વધુ મજબૂત થશે, એમ નિવેદનમાં જણાવાયું છે.  સિન્હાનું નામ શરદ પવાર, ગોપાલકૃષ્ણ ગાંધી અને ફારુક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ઓફર નકારી કાઢ્યા પછી સામે આવ્યું.

દ્રૌપદી મુર્મુની રાજકીય સફર

ઓડિશાના મયુરભંજમાં 20 જૂન, 1958ના રોજ જન્મેલા મુર્મુએ વર્ષ 1997માં ઓડિશાના રાયરંગપુરમાં કાઉન્સિલરની ચૂંટણી જીતી હતી.  તે જ વર્ષે તેણીને રાયરંગપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી. વર્ષ 2000 માં, તેણીએ વિધાનસભાની ચૂંટણી જીતી અને પરિવહન અને વાણિજ્ય જેવા વિભાગોની જવાબદારી મેળવી.  વર્ષ 2002માં, ઓડિશા સરકારે તેમને મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગ આપ્યો.  તે વર્ષ 2009 સુધી મયુરભંજમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે રહી હતી.  બાદમાં પણ તેમને બે વખત આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.  આ પછી તેને ઓડિશા બીજેપી એસટી મોરચાની અધ્યક્ષ બનાવવામાં આવી.  વર્ષ 2015માં તેમને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.  તે છ વર્ષ અને એક મહિના સુધી આ પદ પર ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

યશવંત સિંહાની રાજકીય સફર

યશવંત સિંહા હાલમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના ઉદય પછી તેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો.  યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા હાલમાં ભાજપના સાંસદ છે.  યશવંત સિંહા ઝારખંડના હઝારીબાગથી સાંસદ પણ રહી ચૂક્યા છે, જ્યાંથી તેમનો પોતાનો પુત્ર હાલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. યશવંત સિંહા મૂળ બિહારના છે.  તેમનો જન્મ બક્સર જિલ્લામાં થયો હતો.  બાદમાં તેનો પરિવાર હજારીબાગ શિફ્ટ થયો હતો.  બક્સર અને હજારીબાગ બંને શહેરો તે સમયે બિહારનો એક ભાગ હતા.  યશવંત સિંહાની રાજકીય કારકિર્દી અવિભાજિત બિહારમાં શરૂ થઈ હતી. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.