પ્રાણધામ વિસ્તારની ૧૫ શાળાઓ માટે બહોળું અનુદાન અર્પણ કરીને પૂજય મહાસતીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના પરિવારના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના એવમ્ શાસનરત્ના પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીના પ્રથમ સુશિષ્યા પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીનો સોમવારે સંથારો સીઝી જતાં પ્રાણધામ વલસાડ-મગોદ ખાતેથી એમની પાલખીયાત્રા પ્રયાણ કરી ગઈ હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્સરની દર્દનાક બીમારીથી પીડાતા પૂજય અશોમતીબાઈ મહાસતીજીનું સ્વાસ્થ્ય વધારે કથળતા સોમવાર સાંજના ૪ કલાકે પૂજય પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ એમને સંથારાના પચ્ચકખાણ ગ્રહણ કરાવ્યા બાદ સાંજે ૭ કલાકે નમસ્કારમંત્રનું સ્મરણ કરતા કરતા સમાધિ ભાવે એમનો સંથારો સીઝી ગયો હતો.
પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીનો સંથારો સીઝી જતાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે એમની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીના ગુણોની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ એમને નિર્દભી, નિખાલસ અને સરળ સ્વભાવી તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, સાધુતા એ માત્ર વેશ પરિવર્તનનો વિષય નથી પરંતુ સરળતા, નિર્મળતા અને નિખાલસતા જેવા ગુણો તે સાધુતાની વાસ્તસ્તિવક વ્યાખ્યા હોય છે. જાગૃત આત્મા એ હોય છે જે મૃત્યુની ગાડી આવે એ પહેલાં જ સાથે શું લઈ જવું અને શું ન લઈ જવું એવી પોતાની તૈયારી કરી લેતાં હોય છે. પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજી એક એવા જ શ્રેષ્ઠ આત્મા હતાં જેમણે અગાઉથી જ તૈયારી કરીને મૃત્યુને આવકારી લીધું હતું.
પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીની મહિનાઓ સુધી આત્મિયતાપૂર્વક અને અગ્લાનભાવે સેવા-વૈયાવચ્ચ કરનારા એવા પૂજ્ય શ્રી પ્રિયલબાઈ મહાસતીજીની સેવાભાવનાની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ સમજાવ્યું હતું કે, સંબંધો અને આત્મિયતા વચ્ચે બહુ મોટો ફરક હોય છે. સંબંધો હંમેશા સ્વાર્થ અને લેવડ-દેવડના આધાર પર નિભાવવામાં આવતાં હોય છે. માટે જ, સંબંધોમાં જોડાવું તે બહુ મોટી ભૂલ અને મૂર્ખતા હોય છે. પરંતુ અપેક્ષા કે સ્વાર્થને જ્યાં કોઈ સ્થાન નથી હોતું તે આત્મિયતા હોય છે. સંતો હંમેશા એકબીજા સાથે આત્મિયતાના ભાવોથી જોડાએલાં હોય છે.
આ અવસરે પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, જીવલેણ દર્દને પણ આત્મજાગૃતિ અને આત્મભાનનું નિમિત્ત સમજીને સમાધિભાવે મૃત્યુને સ્વીકારનારા અને મૃત્યુ સાથે જાણે મૈત્રી કરી લેનારા એવા પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજી જલ્દીથી મુમુક્ષુ પદ્ની પ્રાપ્તિ કરે એવા ભાવોની અભિવ્યક્તિ કરી હતી. અત્યંત અહોભાવપૂર્વક ગોેંડલ સંપ્રદાયના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોઠારીએ પૂજ્ય મહાસતીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં ભાવોની અભિવ્યક્તિ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, પૂજ્ય શ્રી યશોમતિબાઈ મ. સ્પષ્ટ વક્તા, દિલના ભોળા, લાગણીશીલ અને આત્મધ્યાનમાં લીન રહેતા. દીક્ષા લઈને, તપ જપને જીવનનો મંત્ર બનાવી દીધો હતો. પગની વેદ્ના છતાં ઘણા વર્ષોે સુધી લાંબી વિહારયાત્રા કરી જૈનશાસનની શાન વધારતા, તપના રાજમાર્ગેે ચાલી, માસખમણ, સોળ ઉપવાસ, અઠ્ઠાઈ, નવાઈ ૫૫૫ અને ૯૯૯ એકાંતર આયંબિલ, વરસીતપ અને છ મહિના સદંતર નિમકનો ત્યાગ કરી, તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના પગલે ચાલ્યા હતાં.
અંતિમ સમયે કર્મરાજાના હુમલાને હંફાવવા સાધનામાં લીન બની ગયાં હતાં. કેન્સરની અસહ્ય વેદ્ના છતાં એલોપેથી, હોમિયોપેથી અને આર્યુવેદિક વગેરે દવા કે ડૉકટરની સહાય ન લેતા, તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ તથા શાસનરત્ના પૂજ્ય ગુરુણીમૈયા શ્રી પ્રાણકુંવરબાઈ મ. ના આશીર્વાદ્નો વરસા ઝીલતાં ઝીલતાં સમતાભાવે દર્દને સહન કરતા હતા.
આ અવસરે શ્રી અજરામર સંપ્રદાયના પૂજ્ય શ્રી પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી ઝરણાબાઈ મહાસતીજી આઠાણા-૩પૂજ્ય મહાસતીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
ગોંડલ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ આ અવસરે શ્રી સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી શ્રી પ્રવિણભાઈ કોઠારી તેમજ શ્રી મનિષભાઈ દેસાઈ, શ્રી મનિષભાઈ દોશી, અંધેરી લોખંડવાલા સંઘના શ્રી અશ્વીનભાઈ, શ્રી પ્રાણધામ ટ્રસ્ટી મંડળના સભ્યો શ્રી હસમુખરાય ગુલાબચં ચોવટીયા, શ્રી ચંદ્રકાંતભાઈ અંબાવી, શ્રી અનિલકુમાર પારેખ, શ્રી જયંતિલાલભાઈ વોરા, શ્રી પ્રફુલભાઈ મોદી, શ્રી ઊર્વિશભાઈ વોરા તેમજ શ્રી મેઘાણી પરિવાર અને શ્રી રૈયાણી પરિવાર આદિએ પૂજ્ય મહાસતીજીના પાર્થિવ દેહને શેલું ઓઢાડીને સંપ્રદાય સન્માન અર્પણ કર્યું હતું.
પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીની ગુણ સ્મૃતિમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ આ અવસરે આદિવાસી એજ્યુકેશનલ ફંડની પ્રેરણા કરતાં ઉપસ્થિત સહુએ અહોભાવપૂર્વક ઝીલી લેતાં અનેક દાનવીર ભાવિકો, સંઘ અને સંસ્થાઓ દ્વારા બહોળું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે પૂજ્ય મહાસતીજીની પાલખીને પ્રાણધામના સંકુલમાં ભાવિકોએ પ્રદક્ષિણા વંદ્ના અર્પણ કર્યા બા જયજય નંદા જયજય ભદ્રાના ગગનભેદી જયઘોષ સાથે પાલખીયાત્રા મુક્તિધામ તરફ પ્રયાણ કરી ગઈ હતી જ્યાં વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે પૂજ્ય મહાસતીજીના પાર્થિવ દેહને અગ્નિદાહ આપીને પંચમહાભૂતમાં વિલિન કરી દેવામાં આવ્યો હતો.
આ અવસરે પૂજ્ય શ્રી પ્રિયલબાઈ મહાસતીજીએ પૂજ્ય શ્રી યશોમતીબાઈ મહાસતીજીના જીવનની પળ પળને પ્રેરણાકારી અને એમના મૃત્યુને સતત એમનું સ્મરણ કરાવનારું તરીકે ઓળખાવીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ પૂજ્ય શ્રી મહાસતીજીને એક હળુકર્મી અને નિરાભિમાની આત્મા તરીકે ઓળખાવીનો શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.