લોકડાઉન વચ્ચે ગુજરાતના ૬૦મા સ્થાપના દિનની ઉજવણીનો નવતર પ્રયોગ: દરેક કલાકારોએ પોતાના ઘરેથી જ લીધો ભાગ
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે..ગુજરાતી ચલચિત્ર અને મનોરંજન જગતના ઘેર ઘેર જાણીતા થયેલા ૩૦ કલાકારો સાથે “યશગાથા ગુજરાતની ગીત તૈયાર કરવામાં આવ્યું છે.
આ ગીતમાં ૩૦ કલાકારો સાથે ગુજરાતની વિકાસયાત્રાને પણ સુંદર રીતે વણી લેવામાં આવી છે. આ યશગાથા આવતીકાલે રિલીઝ થશે.
સ્વ. કવિ રમેશ ગુપ્તાની કલમે લખાયેલા અને જાણીતા યુવા સંગીતકાર મૌલિક મહેતા દ્વારા પુન: સ્વરાંકીત કરવામાં આવેલા આ ગીતનું દિગ્દર્શન અભિલાષ ઘોડા એ કરેલું છે જ્યારે સંકલન કર્યું છે વિવેક ઘોડા અને કરન ઘોડાએ. આ ગીત માટે વિશેષ સહયોગ સાંપડ્યો છે મનીષ બરડીયાનો.
તાજેતરના લોકડાઉનની પરીસ્થીતીમાં દરેક કલાકારોએ તેમના ઘરમાં, બાલ્કનીમાં અથવા પોતાની અગાસી પર જ રહીને પોતપોતાના મોબાઇલ કેમેરા દ્વારા આ ગીત શુટ કરેલું છે.
છેલ્લા એક મહિનાથી લોકડાઉનની વચ્ચે જીવતા નાગરીકો અને સતત મહામારીના વાતાવરણથી થાકેલા પ્રત્યેક ગુજરાતીઓમાં આ ગીત દ્વારા ફરી એકવાર જુસ્સો લાવવાનો હકારાત્મક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ગુજરાતની સ્થાપનાને ૬૦ વર્ષ પુરા થતા હોવા છતાં લોકડાઉનને કારણે કોઇપણ પ્રકારની જાહેર ઉજવણી શક્ય નથી ત્યારે ગુજરાતની યશગાથા રજુ કરતા આ ગીતનો કલાજગત દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ અભિનંદન ને પાત્ર છે.
૩૦ જાણીતા કલાકારોએ કર્યુ પરફોર્મન્સ
આ ગીતમાં ગુજરાતના ગૌરવ સમા કલાકારો નરેશ કનોડિયા, હીતુ કનોડીયા, ચંદન રાઠોડ, પ્રફુલ દવે, સાંઈરામ દવે, કાજલ ઓઝા વૈદ્ય, ફીરોઝ ઇરાની, મલ્હાર ઠાકર, મૌલિક જગદીશ નાયક, અક્ષત ઇરાની, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ, મોનાથીબા, આરોહી પટેલ, નેત્રી ત્રીવેદી, રાગી જાની, નિસર્ગ ત્રીવેદી, ભરત બારીયા, અક્ષય પટેલ, ઓજસ રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, નીશીથ બ્રહ્મભટ્ટ, વિવેક શાહ, સૌરભ રાજ્યગુરુ, મેહુલ મૌર્ય, નિશાત પંડ્યા, હીતેશ ઠાકર, જુનાગઢના કલાકાર રાજુ ભટ્ટ અને અભિલાષ ઘોડાએ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે.