સગા દિઠાં અમે શાહ આલમનાં શેરીઐ રઝળતાં..! બસ આવી જ કાંઇક સ્થિતી છે આજે એક સમયની ઇન્ટરનેટ કિંગ ગણાતી કંપની Yahoo ની..! કંપની મેનેજમેન્ટે હવે ૧૫ મી ડિસેમ્બર-૨૦૨૦ થી કંપનીનાં એક અતિ મહત્વના સેગ્મેન્ટ Yahoo Group નાં પાટિયાં ઉતારી લૈવાનુ નક્કી કર્યું છે. આ એક એવો સિતારો છે જે સમયની સાથે તેનું સ્થાન બદલી ન શક્યો અને અંતે તારામંડળમાંથી ખરી પડ્યો..! એક સમય એવો પણ હતો જ્યારે તેના વળતાં પાણી શરૂ થયા ત્યારે Yahoo ને ખરીદી લેવાની ઓફરો પણ થઇ હતી, પરંતુ સંચાલકોને તેમને મળતી ઓફરો બહુ સસ્તી લાગતી હતી. યાદ રહે કે અહીં Yahoo Mail ની સેવા બંધ કરવાની વાત નથી. જોકે એક વાત નકકી છે કે ભરૂચ ભાંગી રહ્યું છે..!
ઇતિહાસ જોઇઐ તો જેરી યાંગ તથા ડેવિડ ફિલો નામના બે ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ જાન્યુઆરી-૧૯૯૪ માં Jerry and David’s guide to the World Wide Web નામની વેબસાઇટ શરૂ કરી હતી જે અન્ય વેબસાઇટોની ડિરેક્ટરીનું કામ કરતી હતી. પછી જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફારો કરીને માર્ચ-૧૯૯૪ માં Yahoo નામ આપવામાં આવ્યું. ત્યારબાદ જાન્યુઆરી-૧૯૯૫ માં “Yahoo.com” ડોમિન સાથે તેને કોર્પોરેટ લુક આપવામાં આવ્યો. મતલબ કે આશરે એક વર્ષમાં કંપનીએ ઇન્ટરનેટની દુનિયામાં પોતાનો પગદંડો જમાવી લીધો હતો. આપણે ભારતની વાત કરીઐ તો રોજીંદા જીવનમાં કોમ્યુટર અને ઇન્ટરનેટની એન્ટ્રી થઇ ત્યાર પહેલા ભારતમાં Yahoo નું નામ ગુંજતુ હતું. આ એ સમયની વાત છે જ્યારે તમારી પાસે પોતાનું કોમ્પ્યુટર અને ઇ-મેલ એડ્રેસ હોવું એક એડવાન્સ્ડ અને હાઇક્વોલિફાઇડ સ્ટેટસ સિમ્બોલ મનાતું હતું. આ એક એવો સમય હતો જ્યારે સર્ચ એન્જીનની દુનિયામાં Yahoo સિવાય બીજું કોઇ નહોતું.
એપ્રિલ-૧૯૯૬ માં જ્યારે આ કંપની પબ્લિક લિસ્ટેડ થઇ ત્યારે તેના શેરનાં ભાવ બે વર્ષમાં ૬૦૦ ટકા જેટલા વધ્યા હતા. જેને તમે બિઝનેસની ભાષામાં વર્ટિકલ ગ્રોથ કહી શકો. ૧૯૯૬ થી ૨૦૦૭ સુધીના સમયગાળામાં કંપનીનો સિતારો સાતમા આસમાને ચમકતો રહ્યો. ત્યારબાદ ધીમે-ધીમે Google એ Yahoo ને પાછળ ધકેલવાનું શરૂ કર્યું.
આપણી ભાષામાં કહીએ તો એ સમયે Yahoo સર્ચ એન્જીન જો તમને કઇ બુક વાંચવી તેની માહિતી આપતું હતું તો Google સર્ચ એન્જીન એના આગળ તમે જે બુક સિલેક્ટ કરો તેના દરેક પાના વાંચવાની ઓફર કરતું હતું. આમ તો Google ની સ્થાપના ૧૯૯૮ માં થઇ પણ તેણે માર્કેટ ઉપર કબ્જો કરવાની શરૂઆત ૨૦૦૮-૦૯ થી કરી છે એમ કહી શકાય.
વાત કરીઐ યાહુ ગ્રુપ્સ (Yahoo Group) ની જે હવે બંધ થવાનું છે. Yahoo એ આ સેગમેન્ટની શરૂઆત ૨૦૦૧ માં કરી હતી. અને ત્યારે યાહુ લોકોને જે આપે તે નવું જ ગણાતું હતું. આ ફ્રી ટુ યુઝ સિસ્ટમ ૨૦૦૮ સુધી એટલી લોકપ્રિય હતી કે તેના ૧૧૩ મિલીયન યુઝર્સ હતા અને ૯૦ લાખ લોકો તેને ૨૨ ભાષામાં વાપરતા હતા. કોર્પોરેટ સેક્ટરમાં પણ સમય વર્તે સાવધાન ની રણનીતિ ઘણી જ મહત્વ પૂર્ણ સાબિત થતી હોય છે. Yahoo માટે પણ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૨-૧૩ નો પાંચેક વર્ષનો સમય એવો આવ્યો કે તેમાં મેનેજમેન્ટ દ્વારા સચોટ નિર્ણય લેવાયા હોત તો આજે કદાચ સંજોગો જુદા હોત.
આ પાંચ વર્ષના ગાળામાં ટોપ મેનેજ્મેન્ટ સ્તરે પણ ઘણા બદલાવ આવ્યા. ઐપ્રિલ-૨૦૧૨ માં ૧૪૧૦૦ કર્મચારીઓની આ કંપનીમાંથી ૨૦૦૦ કર્મચારીઓને જ્યારે છુટા કરીને વાર્ષિક ૩૭૫ મિલીયન ડોલરનો ખર્ચ ઘટાડવાની જાહેરાત થઇ ત્યારથી આ કંપનીના પાયા હલવા માંડ્યા હતા. જોકે આ અગાઉ ૨૦૦૮ માં માઇક્રોસોફ્ટે ૪૪.૬ અબજ ડોલરમાં Yahoo ખરીદવાની ઓફર મુકીને ૠજ્ઞજ્ઞલહય ને નાથવા હાથ મિલાવવાની પહેલ કરી હતી. પરંતુ ત્યારે Yahoo વાળાને જાણે બહુ સસ્તામાં વેચાતા હોય તેવું લાગતું હતું. ત્યારબાદ ૨૦૧૧ સુધીમાં Yahoo નું માર્કેટ કેપિટલાઇઝેશન માઇક્રોસોફ્ટની ઓફર કરતાં અડધું એટલે કે ૨૨.૨૪ અબજ ડોલર થઇ ગયું હતું. અંતે આ કંપનીનો મોટાભાગનો બિઝનેસ વર્ઝન કોમ્યુનિકેશને ૪.૪૮ અબજ ડોલરમાં લીધો. કાશ.. Yahoo નાં વહિવટદારોઐ ૨૦૦૮ પહેલા ભાગવત ગીતાનું પઠન કરીને જાણી લીધું હોત કે સમય બડા બલવાન નહી માણસ..!
હાલની સ્થિતી એવી છે કે Yahoo Groups માં ૧૨ મી ઓક્ટોબરથી નવા બનાવવાનું બંધ થઇ ગયું છે. જ્યારે ૧૫ મી ડિસેમ્બર-૨૦ થી તમામ ગ્રૂપો બંધ થશે. જો કોઇ ગ્રુપ મેમ્બર તેના અન્ય મેમ્બરને ઇ-મેલ કરશે તો તેને ફેલયોર નોટિફિકેશન આવશૈ. Yahoo ગ્રુપે હજુ સુધી કોઇ સર્વિસ પ્રોવાઇડર સાથે ગોઠવણ કરી નથી. તેથી સૌ ઐ પોતાની રીતે અન્ય ગ્રુપમાં જોડાવાનું રહેશે.
જો કે Yahooની સમાન્ય ઇ-મેઇલ સર્વિસ ચાલુ જ રહેવાની છે. કેવી સુવિધા સાથે અને કેટલો સમય તે હજુ જાહેરાત નથી થઇ..યાદ રાખવું , જેનો ઉદય છે એનો અસ્ત છૈ જ..! ૨૧ મી સદીનાં ટી-૨૦ નાં યુગમાં ટેકનોલોજી કંપનીઓ માટે ખાસ..!