જયારે જયારે ભારતીય ધર્મ અને સંસ્કૃતિ પર આપત્તિ આવે છે ત્યારે ત્યારે પ્રત્યેક યુગમાં હું જન્મ લઉ છું… શ્રી કૃષ્ણ વચન દ્રોહી હોઈ શકે નહિ, કદાપિ ન્હોતા, તેઓ અવશ્ય આવશે…
કાંતો કુદરત ખૂંદ રૂઠી છે, પાપાચારે માઝા મૂકી છે, કોરોનાનું હોવું-નહોવું, એને લગતું રહસ્ય વધુને વધુ ઘૂટાતું રહ્યું છે… એ જગતભરમાં હજુ વધ્યા કરે છે… વિદાય લેતા કળિયુગની વિકરાળ થપાટ કે પછી બીજું કાંઈ ? સંભવામિ યુગે યુગે, હવે કેટલીવાર પ્રભુ ? નરસિંહ મહેતા અને મહાત્મા ગાંધી સહિત વિશ્ર્વભરના તમામ સંતોની સામૂહિક પ્રાર્થનાસભા યોજીએ તો? કદાચ કોરોના ખૂદ ભેટવા આવે !
માનવજાત જયારે જયારે થાકે છે ત્યારે ત્યારે એ જગતનિયંતાનું શરણ શોધે છે.
પરંતુ ઘણે ભાગે આપણા રાજકીય ક્ષેત્રે કોરોના વાયરસે દેખા દીધી ત્યાં સુધી ધાર્મિકતા અને જગતનિયંતા સાથે સ્નાનસુત્તક જેટલો પણ સંબંધ રાખ્યો નથી એની પ્રતીતિ આ દેશના સવા અબજ લોકોની બેહાલીએ અને બરબાદીએ કરાવી દીધી હતી. મહાત્મા ગાંધી આપણા દેશના રાષ્ટ્રપિતા છે. અને આપણા દેશને સ્વતંત્રતા પ્રદાન કરાવવામાં એમનું જ સૌથી વધુમાં વધુ પ્રદાન છે. એટલું યાદ રાખવાની પરવા તેમણે ઘણે અંશે કદાપિ કરી નથી.
ભ્રષ્ટાચાર સામેના યુધ્ધમાં આપણા વર્તમાન રાજનેતાઓ અને રાજકર્તાઓ હારી ચૂકયા છે. મતિભ્રષ્ટતા એ એમના રૂંવે રૂંવે ઘર કરી લીધું છે. ભેળસેળની ભયંકર બદીને ખતમ કરવામાં અને બળાત્કારોને રોકી ન શકે એટલી હદે તેમણે દેશની સંસ્કૃતિને તથા સંસ્કારને છિન્નભિન્ન થવા દીધા છે. આપણા દેશની સભ્યતાનું તેમણે નામનિશાન રહેવા દીધું નથી ! જો આ બધું તેમણે ન જ બનવા દીધું ન હોત અને જો તેમાના અર્ધોઅર્ધ નિજી સ્વાર્થને ખાતર એમાં ભાગીદારી ન બન્યા હોત તો કમસેકમ જખન સ્વરૂપના બળાત્કારોમાંથી આપણા દેશની બેન-દીકરીઓ ઉગરી શકી હોત !
અત્યારે આપણા દેશમાં મહાત્મા ગાંધીની વિચારધારાને અને ગાંધીયુગની નીતિ રીતિઓને ઘણે ભાગે અભેરાઈએ ચડાવી દેવાયા છે. અર્થાત તેમણે પ્રતિમાઓમાં પૂરી દેખાયા છે.
આપણા રાજકારણીઓ અને રાજપુરૂષોએ, રાજનીતિજ્ઞોએ તેમજ રાજકર્તાઓએ કૃષ્ણને અને રામને ભગવાન તરીકે પૂજા કરવા જેવા પરમાત્મા તેમજ પરમેશ્ર્વર તરીકે સ્વીકાર્યા છે. સર્વોએ પરમપિતા તરીકે માન્યતા આપી છે, પરંતુ એમના જીવનમંત્રને, મૂલ્યોને એમની જીવનશૈલીને અને બોધને ઉપદેશને દ્રઢપણ અનુસરવાનું અનિવાર્ય હોવાનું સ્વીકાર્યું નથી.
સામાજીક અને પારિવારિક આદાનપ્રદાનમાં તેઓએ પવિત્રતાને અને ધર્મપારયણતાને કદાપિ દૂષિત જીવનને વધુમાં વધુ સમર્પિત વ્યકિતનું દર્શન કરવું હોય તો વર્તમાન યુગમાં મહાત્મા ગાંધીથી વધુ ચઢીયાતી અન્ય નહીં સાંપડે ! એમનું સમગ્ર જીવન ગીતા અને રામાયણના ન તત્વસત્યોને સમર્પિત હતુ.
આપણા દેશની રાજનીતિ એટલી હદેપંગુ અને પોકળ રહી છેકે, એને લીધે આ દેશની વૈદિક સંસ્કૃતિ, આપણા સંસ્કાર, સભ્યતા અને શિક્ષણ છીન્નભીન્ન થયા છે.
મહાત્મા ગાંધીએ તો એવો સંદેશ આપ્યો છેકે, ઓછામાં ઓછી જરૂરતવાળુ જીવન તે શ્રેષ્ઠ જીવન અને ઓછામાં ઓછા કાગળોવાળુ તંત્ર, તે શ્રેષ્ઠ તંત્ર ! આપણા દેશના સુકાનીઓએ ફાઈલોને ફાઈલો હજારો ફાઈલોનું તંત્ર બનાવી દીધું છે.
બળાત્કાર, દારૂ-મંદિરા, ભેળસેળ ફેશનનો અતિરેક અને કોન્વેન્ટ કલ્ચર (પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે આપણા જ પગ ઉપર કુહાડો માર્યો છે. ગાંધી નિર્વાણ દિન મહાત્મ ગાંધી જેવા મહામાનવે ચીંધેલા મૂલ્યોનું સ્મરણ કરવાનો અને તેમની વિચારધારાને પૂન: પ્રસ્થાપિત કરવાની પ્રતિજ્ઞા કરવાનો છે.
આપણા દેશની હાલની સમસ્યાઓનો ઉકેલ, કૃષ્ણ નીતિ અને ગાંધી વિચારધારાને દેશકાળ અનુસાર પૂન: પ્રસ્થાપિત કરવાનો છે. ગાંધી અને કૃષ્ણ-નીતિ આ દેશને તાતી જરૂર છે. એમ કહેતી વખતે એમપણ પ્રાર્થના પૂર્વક એમ કહેવું પડે તેમ છે કે, ‘સંભવામિ યુગે યુગે’નો સમય હવે અમારી દ્રષ્ટિએ પાકી ગયો છે. જો જો, હવે ઝાઝું મોડું ન કરતા અમને ખાતરી છે કે, સંસ્કૃતિના સર્વનાશ પૂર્વે જ તમે એને ઉગારવા આવ્યા જ છે, ‘અબતક’ શ્રધ્ધાવાન છે, અને શ્રધ્ધાવાન જ રહેશે !