ભારત આઈસીસી ટી-20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને પહેલા સ્થાન પર પહોંચી ગયું !!

અબતક, કોલકાતા

ભારતે આપેલા 185 રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 167 રન જ કરી શકી હતી અને ભારતે આ સાથે શાનદાર 17 રને જીત મેળવી હતી. આ સાથે યજમાન ટીમે ત્રણ મેચની સીરિઝ 3-0તી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારતે વન-ડે સીરિઝ પણ 3-0થી પોતાના નામે કરી હતી. સુર્યકુમાર યાદવ મેન ઓફ ઘ મેચ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો. આ જીત સાથે ભારત આઈસીસી ટી 20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને પહેલા સ્થાન પર પહોંચી ગયું છે.સૂર્યકુમાર યાદવે ત્રણેય મેચમાં જે રીતે ઇનિંગ્સ રમી છે તેના કારણે યાદવને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ સૂર્યકુમારે ટી-20 ફોર્મેટમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે ટી-20 ફોર્મેટમાં યાદવને સ્થાન આપવું જ પડે તેવી સ્થિતિ સૂર્યકુમારે ઉભી કરી લીધી છે.

વિન્ડીઝના નિકોલસ પુરણે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. પણ શાર્દુલ ઠાકુરે તેને મહત્વના સમયે આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. પુરણે 47 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મહત્વનું છે કે નિકોલસ પુરણ ભારત સામેની આ ટી20 સીરિઝમાં ત્રણેય મેચમાં અડધી સદી ફટકારનાર એક માત્ર ખેલાડી બન્યો હતો.185 રનના લક્ષ્યાંકના જવાબમાં વિન્ડીઝ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં 5 માં  બોલમાં દીપક ચહરે કાઇલ મોયેર્સને આઉટ કર્યો હતો. તે માત્ર 6 રન જ કરી શક્યો હતો. શાઈ હોપ પણ કઇ ખાસ કરી શક્યો ન હતો અને દીપક ચહરની  ઓવરમાં 26 રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો. તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. આ વચ્ચે દીપક ચહરના પગમાં ઇજા પહોંચી હતી અને તે મેદાન બહાર થઇ ગયો હતો.

બીજી મેચમાં વિન્ડીઝને જીતની નજીક પહોંચાડનાર નિકોલસ પુરણ અને રોવમેન પોવેલની જોડીએ આ ત્રીજી મેચમાં પણ ભારત માટે તકલીફ ઉભી કરી હતી. આ બંને ખેલાડીઓએ તોફાની અંદાજમાં રન બનાવ્યા હતા. વિન્ડીઝે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા. આ તેનું ભારત સામે ટી20માં પાવરપ્લેમાં સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા તેણે 2016માં લોડરહિલમાં રમાયેલી ટી20 મેચમાં પાવરપ્લેમાં વગર વિકેટના નુકસાન પર 78 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે પોવેલને સાતમી ઓવરમાં આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. પોવેલે 14 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 25 રન કર્યા હતા.બેટિંગ બાદ બોલિંગમાં પણ વેંકટેશ અય્યરે શાનદાર રમત દાખવી હતી. મહેમાન ટીમના બે મોટા બેટ્સમેનો આઉટ થઇ ગયા હતા. તેણે નવમી ઓવરમાં ત્રીજા બોલમાં પોલાર્ડને આઉટ કર્યો હતો. જ્યારે 11મી ઓવરમાં બીજા બોલમાં જેસન હોલ્ડરને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી.

ભારતીય ઇનીંગની શરુઆતે 10 રનના સ્કોર પર જ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ઇશાન અને અય્યરે અર્ધશતકીય ભાગીદારી ઇનીંગ રમી હતી. શ્રેયસ અય્યરે 16 બોલમાં 25 ની ઇનીંગ રમી હતી. અય્યર બાદ ઇશાને પણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા પણ વિકેટ ગુમાવતા જ ભારતની મોટો સ્કોર ખડકવાની આશા મુશ્કેલ લાગી રહી હતી. જોકે સૂર્યકુમાર (65 રન 31 બોલ) ના ઝડપી અર્ધશતક અને વેંકટેશ (35 રન 19 બોલ) ની અણનમ આક્રમક રમતને લઇને ભારત આ સ્કોર સુધી પહોંચી શક્યુ હતુ. બંને એ 91 રનની ભાગીદારી રમત રમી હતી. 2013માં ટીમ ઈન્ડિયા ઓડીઆઈ અને ટી-20 માં નિયમિત ઓપનર બન્યા બાદ કદાચ આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે રોહિતે ઓપનિંગ કે ટોપ 3માં બેટિંગ કરી ન હતી.

છેલ્લી વખતે રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપ મેચમાં ઓપનિંગ કરવાને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી. જો કે તે આ ભૂમિકામાં સફળ થયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.