- અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 30 જૂન દરમિયાન યોજાનારી ડ્રાઇવમાં આઈપીસી અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધાશે
રાજ્યભરમાં રોંગસાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીત પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી (22 જૂન થી 30 જૂન) સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કરવામાં આવી છે જે બાદ રાજ્યભરમાં આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે આવતીકાલથી વિશેષ ડ્રાઈવ યોજાશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન દરમિયાન યોજાનારી આ ડ્રાઇવમાં ટ્રાફિક જવાનો દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને પાઠ ભણાવાશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે આઈપીસી 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધાશે.
આજથી 10 દિવસ માટે યોજાનારી ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહી આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી (22 જૂન થી 30 જૂન) સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ આઈપીસી-279 તથા એમવી એક્ટ-184 મુજબ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આજથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.ઉલ્લેખનીય બાબત છે કે, આ ડ્રાઇવની શરૂઆત અમદાવાદથી પાયલોટ પ્રોજેક્ટ થકી કરવામાં આવી છે. હવે અમદાવાદ બાદ રાજ્યભરમાં આ પ્રકારની ઝુંબેશ હાથ ધરીને રોંગ સાઈડ ડ્રાઇવિંગને અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.