- ભાવનગરના ગારીયાધાર તાલુકાના રાજકારણમાં ગરમાવો
ગારીયાધાર ન્યૂઝ : રાજ્યમાં વધુ એક ભાજપ નેતાનો લેટરબોમ્બ બહાર આવ્યો છે. ગારિયાધાર (Gariadhar) શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ ધારાસભ્યની ખુશામતખોરી કરી રહ્યા છે. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે ગંભીર આરોપ લગાવતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે ગારીયાધાર નગરપાલિકાના વહિવટદાર મામલતદાર આર.એન.કુંભાણી અને નગરપાલિકા ચીફ ઓફિસર કૃપેશ પટેલ પોતાની રીતે મનસ્વીપણે નિર્ણયો લઇ સરકાર અને સરકારી હિતોને નુકશાન કરી રહ્યા છે.
તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે બંને અધિકારીઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામતખોરીમાં લાગેલા છે અને બીજા કામો પ્રત્યે બેજવાબદારીભર્યું વલણ દાખવે છે તેથી બંને અધિકારીઓની ગારીયાધારમાંથી તાત્કાલીકપણે બદલી નહીં કરાય તો સરકાર માટે દુખદાયક સાબિત થઇ શકે.
નિલેશ રાઠોડે પત્રમાં મામલતદાર, ચીફ ઓફિસરની બદલીની રજૂઆત કરી છે. ઉલ્લેખનિય છે કે AAPના સુધીર વાઘાણી ગારિયાધારથી MLA છે અને ગારીયાધાર તાલુકાની બેઠક પર આપનું શાસન છે. આ પત્રથી ભાવનગરના ગારીયાધાર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી ગારીયાધાર તાલુકાની એક માત્ર બેઠક પર આપનું શાસન છે.
ચિરાગ જોબનપુત્રા