“ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના હોત તો ખેલાડીઓને રમતનો આવો માહોલ ના મળ્યો હોત અને સ્પર્ધાના અભાવે તેમને ખ્યાલ જ ના આવ્યો હોત કે તેઓ કેટલા સારા ખેલાડી છે. ખેલ મહાકુંભ એ ખેલાડીઓને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઓલમ્પિક સ્તર સુધી લઈ જવા માટે મહત્વનો માર્ગ છે” આ શબ્દો છે રાજકોટની કરાટે તથા કુસ્તી ચેમ્પિયન પ્રાચી જાધવના. રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ટી.વાય. બી.કોમ.માં અભ્યાસ કરતી પ્રાચી દશરથભાઈ જાધવે વર્ષ 2018માં ખેલ મહાકુંભમાં કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ પછી તેણે કરાટે તથા કુસ્તીની સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને 40 જેટલા મેડલ જીત્યા છે.
પ્રાચી જાધવ જણાવે છે કે, તે વર્ષ 2017થી કરાટે રમે છે અને બ્લેક બેલ્ટ ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વર્ષ 2018ના ખેલ મહાકુંભમાં ભાગ લઈને તેણે જાહેર સ્પર્ધાઓમાં રમવાની શરૂઆત કરી હતી. એ સ્પર્ધામાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ પછી વર્ષ 2019માં ખેલ મહાકુંભમાં તેણે રાજ્ય સ્તરે કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી તે પ્રિ નેશનલ અને નેશનલમાં પસંદ થઈ હતી અને મધ્યપ્રદેશમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસ.જી.એફ.આઈ.)ની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
કોલેજમાં આવ્યા પછી પ્રાચીએ ઈન્ટર યુનિવર્સિટી કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને ઓલ ઇન્ડિયા લેવલ પર પણ પસંદ થઈ છે. ઉપરાંત જુજૂત્સુની નેશનલ સ્તરની સ્પર્ધામાં તેણે બે ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમાયેલી ઈન્ટર યુનિવર્સિટી રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં પ્રાચી મહારાષ્ટ્રના સતારામાં આવેલી એક સંસ્થામાં નિષ્ણાત અને કાબેલ કોચ જયદીપ ગાયકવાડના હાથ નીચે એડવાન્સ તાલીમ લઈ રહી છે. પ્રાચીનું સપનું ઓલમ્પિક્સમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે.
રાજકોટના પેડક રોડ પર પટેલવાડી વિસ્તારમાં પ્રાચી પોતાના માતા સંગીતા બહેન અને પિતા દશરથભાઈ જાધવ અને ભાઈ સાથે રહે છે. પિતાજી ચાંદીની દુકાન ધરાવે છે જ્યારે માતા ગૃહિણી છે. પોતાની આ સફળતાનો શ્રેય તે પોતાના માતા-પિતાને આપે છે. પ્રાચી જણાવે છે કે, મારી આ સફળતામાં મારા માતા-પિતાનું ખૂબ મોટું યોગદાન છે. ફી ભરવાથી લઈને અન્ય વ્યવસ્થાઓ પપ્પા કરી આપતા. જ્યારે મમ્મી ડાયટથી લઈને હેલ્થ-હાઈજીન સહિતની અનેક બાબતોનો ખ્યાલ રાખતી હતી.
પ્રાચી જણાવે છે કે, એક પ્લેયરને સાચો સપોર્ટ તેના માતા-પિતાનો હોય છે. પ્લેયરને રમત માટેનું પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ માતા-પિતામાંથી જ મળે છે.
પોતાના કરાટે કોચ હર્ષિલ સોની પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા પ્રાચી કહે છે કે, ખેલાડીને બીજો મહત્વનો સપોર્ટ કોચનો હોય છે. કોચ એવી વ્યક્તિ છે જે રમતના ટેક્નિકલ ગાઈડન્સથી લઈને અનેક સ્તરે મોરલ સપોર્ટ કરે છે.
પ્રાચી જણાવે છે કે, ખેલાડી હંમેશા શિસ્તથી શ્રેષ્ઠ બને છે. એક ખેલાડીએ ખેલના મેદાનમાં પ્રદર્શન કરવા સાથે મેદાનની બહાર ડિસિપ્લિન અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખવો જરૂરી છે.
ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસ માટે ખેલ મહાકુંભને તે ખૂબ મહત્વનું ગણાવે છે. પ્રાચી જણાવે છે કે, વિદ્યાર્થી શાળામાં હોય ત્યારે શાળા કક્ષાની સ્પર્ધાઓ તથા કોલેજમાં હોય ત્યારે યુનિવર્સિટીની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. એ પછી કોઈપણ ખેલાડી ખેલ મહાકુંભ થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકે છે. તે ઉમેરે છે કે, જો ખેલ મહાકુંભ ના હોત તો આટલી સારી સ્પર્ધાઓ થકી આટલા સારા ખેલાડીઓ કદાચ આપણને મળી શક્યા ના હોત. ખેલ મહાકુંભ ખેલાડીઓને રમતગમતના માહોલ સાથે સ્પર્ધા પૂરી પાડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ ઓલમ્પિક સ્તરે લઈ જવા માટેનો મહત્વનો માર્ગ છે.
આ સાથે તેણે ખેલાડીઓને ખેલ મહાકુંભમાં ભાગ લેવા અને વાલીઓ તેમજ અન્યોને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.