મોડી રાત્રે મુક્કાબાજોનું પ્રતિનિધિ રમત-ગમત મંત્રાલયે પહોંચ્યું: અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજાઇ
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું એક પ્રતિનિધિમંડળ અધિકારીઓ સાથે બેઠક માટે શાસ્ત્રી ભવનમાં કેન્દ્રીય રમત મંત્રાલયના કાર્યાલયે મોડી રાતે પહોંચ્યું હતું. આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, અમે કેન્દ્રીય રમત મંત્રાલયના અધિકારીઓને મળવા જઈ રહ્યા છીએ અને મીટિંગ પૂરી થયા બાદ મીડિયાને આ અંગે માહિતી આપીશું.
વિરોધ કરી રહેલા ખેલાડીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો ગુન્હો દાખલ ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં દેશના પ્રખ્યાત કુસ્તીબાજોએ પોતાનો મોરચો માંડ્યો છે. ડબ્લ્યુએફઆઈ પ્રમુખ સામે જાતીય સતામણીના આરોપો બાદ ગુરુવારે સતત બીજા દિવસે જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ ચાલુ રહી હતી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને અન્ય કુસ્તીબાજો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
હકીકતમાં કુસ્તીબાજોનો આરોપ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને કોચ મહિલા રેસલર્સની જાતીય સતામણી કરે છે. કેટલાક કોચ વર્ષોથી જાતીય સતામણી કરી રહ્યા છે.
ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર એથ્લેટ વિનેશ ફોગાટે પણ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રીય કોચ દ્વારા મહિલા કુસ્તીબાજોની છેડતી અને જાતીય હુમલો કરવામાં આવ્યો છે. જોકે, રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે.