આવતીકાલે બ્રિજભૂષણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરાશે
સ્પોર્ટસ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે બુધવારે જણાવ્યું હતું કે ભારતીય કુસ્તી સંઘ વિદાય થઇ રહેલા વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોના કેસમાં ચાર્જશીટ 15 જૂન સુધીમાં દાખલ કરવામાં આવશે. ત્યારે આવતીકાલે ચાર્જશીટ દાખલ થાય તેવી વાત હાલ સામે આવી રહી છે.
બ્રિજભૂષણ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથેની મેરેથોન બેઠક બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 6 જુલાઈના રોજ યોજાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેના માટે જમ્મુ કાશ્મીરના રિટાયર્ડ ચીફ જસ્ટિસ મહેશ મિતલ કુમાર આ ચૂંટણી કાર્ય સાંભળશે. જાણવા જેવી વાત એ છે કે આ ચૂંટણી એક જ દિવસમાં યોજાઈ જશે અને એનું પરિણામ પણ એ જ દિવસે આવશે.
સરકારે કુસ્તીબાજોની દરેક માંગણી સ્વીકારી છે તેની નોંધ લેતા, તેમણે કહ્યું કે ભારતીય કુસ્તી સંઘ પાસે આંતરિક ફરિયાદ સમિતિ પણ હશે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે. કુસ્તીબાજોએ વિવિધ એકેડેમીઓ અને ખેલાડીઓ સામેના કેસો પાછા ખેંચવાની તેમજ સિંહ અને તેના સહયોગીઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી ન આપવાની માંગ પણ કરી હતી. સ્પોર્ટસ મિનિસ્ટરે કહ્યું હતું કે, આ તમામ મુદ્દાઓને સર્વસંમતિથી સંમત કરવામાં આવ્યા હતા.
સિંહની ધરપકડ માટે કુસ્તીબાજોની માંગ વિશે પૂછવામાં આવતા, ઠાકુરે કહ્યું કે કેસની તપાસ પૂર્ણ કરવામાં આવશે અને 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પાંચ દિવસના ગાળામાં સરકાર અને વિરોધી કુસ્તીબાજો વચ્ચે આ બીજી બેઠક હતી. મીટિંગ બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું સરકારે તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય માંગ્યો છે. ત્યાં સુધી તેઓને કોઈ વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, કુસ્તીબાજોનું આંદોલન હજી પૂરું થયું નથી. સાથોસાથ ચૂંટણીને લઇ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે નામ અંકન ભરવાની તારીખ 19 જૂન છે જ્યારે 22 જુને નામાંકન ભરવાની કામગીરી પૂર્ણ કરાશે. ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ 2 જુલાઈ રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું નામાંકન રદ કર્યું હશે તેમના માટે 28 જૂન અને પહેલી જુલાઈ તારીખ નિર્ધારિત કરવામાં આવેલી છે.