પ્રથમ સિઝનમાં ડબલ્યુપીએલમાં કુલ 20 લીગ મેચ અને બે પ્લેઓફ મેચ રમાશે
ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ લીગ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ-2023)ના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં 4 માર્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. આ મુકાબલાથી વિમેન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સોમવારે મુંબઈમાં ડબલ્યુપીએલ માટે ખેલાડીઓની હરાજી યોજાયાના બીજા જ દિવસે મંગળવારે તેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પાંચ ટીમો વચ્ચે જંગ જામશે.
બીસીસીઆઈ એ મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રથમ સિઝનમાં ડબલ્યુપીએલમાં કુલ 20 લીગ મેચ અને બે પ્લેઓફ મેચ રમાશે. આ તમામ મેચો 23 દિવસના સમયગાળા દરમિયાન રમાશે. ડબલ્યુપીએલમાં પ્રથમ ડબલ હેડર મેચ 5 માર્ચે રમાશે જેમાં પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં બીજી મેચમાં યુપી વોરિયર્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે થશે.
26 માર્ચે ફાઈનલ, ડબલ હેડર્સની પ્રથમ મેચ બપોરે 3.30 વાગ્યે અને બીજી રાત્રે 7.30 કલાકે
આ ટુર્નામેન્ટમાં ચાર ડબલ-હેડર્સ હશે જેમાં પ્રથમ મેચ બપોરે 3.30 વાગ્યા જ્યારે બીજી મેચ રાત્રે 7.30 વાગ્યે રમાશે. બોર્ડે જણાવ્યું હતું કે, લીગ સ્ટેજની અંતિમ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 21 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 24 માર્ચે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં એલિમિનેટર રમાશે. ડબલ્યુપીએલ-2023ની ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
પ્રથમ સિઝનમાં કુલ પાંચ ટીમો વચ્ચે જંગ જામશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રથમ વખત વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ સિઝનમાં કુલ પાંચ ટીમો છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે.