ઉત્તરપ્રદેશમાં ગૌવંશ કતલ નિષેધ કાયદાને રાજય કેબિનેટની મંજૂરી: ગાયોને શારીરિક પીડા આપનારાઓને સાત વર્ષ સુધીની કેદની સજા

હિન્દુ પૌરાણિક સંસ્કૃતિમાં ગાયને અતિપવિત્ર માનવામાં આવે છે. તેથી જ ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાની માન્યતા સાથે ગાયને માતા ગણીને પૂજન અર્ચન કરવામાં આવે છે. હિન્દુઓ માટે અતિ પવિત્ર ગણાતા ‘ગૌવંશ’ની છેલ્લા થોડા દાયકાઓથી માંસ માટે બેફામ પણે ગેરકાયદેસર રીતે કતલ થતી રહે છે. જેથી ગૌવંશની ઘટતી સંખ્યાથી ચિંતિત જીવદયા પ્રેમીઓ ‘ગૌવંશ’ની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા લાંબા સમયથી માંગણીઓ કરતા આવ્યા છે. જેને ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગ્રાહ્ય રાખીને રાજયમાં ગાયની કતલને પ્રતિબંધિત કરી છે. સાથે ‘ગૌવંશ’ સાથે ક્રુરતા બદલ આકરી સજાની જોગવાઈ કરી છે. ‘ગૌવંશ’ને બચાવવા આવા કડક કાયદાને હવે દેશભરમાં લાગુ કરવા ગૌ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ રાજય સરકારે ગાયોની કતલ નિષેધ કાયદા ૨૦૨૦ને કેબીનેટમાં બહાલી આપી હતી આ પ્રસ્તાવમાં ગૌ સુરક્ષા ગાયોની કતલ અને ગૌ સંબંધીત અત્યાચારો અટકાવવા માટે કડક જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈ મુજબ ગાયોને શારીરીક નુકશાન કરનારને ૭ વર્ષ સુધીની સજા અને ગાયની કતલ સંબંધીત ગુનામાં ત્રણ લાખની રોકડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગાયોની કતલ અટકાવવા માયે અને કાયદાને વધુ અસરકારક બનાવવા માટે આ જરૂરી હોવાનું કેબીનેટે નિર્ણય કરીને ૧૯૫૫ના ગૌવંશ નિષેધ કતલના કાયદાને વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ ગૌવંશ કતલ નિષેધ કાયદાની કલમ ૫ મુજબ મુંગા અબોલ પશુઓનાં પરિવહન માટે સજાની જોગવાઈ છે. સાથે સાથે પ્રાણીઓમાં જીવનું જોખમ અને શારીરીક નુકશાન કે ગૌવંશને ખોરાક પાણી ન આપીને મોતના મુખમાં ધકેલવાનાં મનસુબાને પણ ગુનાહિત કૃત્ય ગણીને જે સજાની જોગવાઈ એક વર્ષની હતી તેને સાત વર્ષની કરવામાં આવશે. આ કાયદામાં કતલખાને ધકેલાતી ગાયોનો નિભાવ માટે વાહનની જપ્તીના સમયગાળાની એક વર્ષની જોગવાઈ અથવા તો ગાય કે અબોલ પશુઓની મુકિત થાય ત્યાં સુધીની જવાબદારી સુનિશ્ર્ચિત કરવામા આવી છે.

નવા કાયદાની જોગવાઈ મુજબ કાયદાનો ભંગ કરનારને બેવડા દંડ અને જો બીજીવાર ગુનો કરતા પકડાય તો તેની સામે આકરી કાર્યવાહીની જોગવાય કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કેબીનેટે ગાયોના કતલ પ્રતિબંધીત સુધારાને કેબીનેટની મંજુરી બહાલ કરવામાં આવી છે. દેશમાં ગૌવંશ કતલની પ્રકૃતિ સંપૂર્ણ પણે બંધ કરવામાં ઉત્તર પ્રદેશની જેમ સમગ્ર દેશમાં ગૌવંશ કતલ પ્રતિબંધીત ધારાને વધુ સુદ્દઢ બનાવવાની માંગ ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.