ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’એ ચાર ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં મેળવી પ્રશંસા
અમેરિકા-જર્મની – જાપાનમાં ટોપ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડમાં નોમિનેશન સાથે કોલકતાના ક્રાઉનવુડ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘બેસ્ટ ફિચર ફિલ્મ’ વિજેતા થઇ છે
દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના આ કપરા સમયમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વ લઇ શકાય તેવી વાત એ બની છે કે હેલી ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી ઉત્પલ મોદી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ગાંધીની બકરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે. છેલ્લા બે મહિનામાં ગાંધીની બકરી ફિલ્મે ચાર આંતર રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પોતાનું સ્થાન પાકું કર્યુ છે. અમેરિકામાં યોજનાર ન્યુયોર્ક મૂવી એવોર્ડસમાં તેમજ જર્મનીમાં યોજાતા મેબિગ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગાંધીની બકરી’ફિલ્મનું ઓફિશિયલ સિલેકશન થયું છે. તો જાપાનના ટોપ ફિલ્મ એવોર્ડસમાં નોમિનેશન મેળવ્યું છે જયારે કોલકતાના ક્રાઉનવુડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં માર્ચ-એપ્રિલની એડિશન માટે બેસ્ટ ઇન્ડિયન ફિચર ફિલ્મ તરીકે જાહેર થઇ છે.
ગાંધીની બકરી ફિલ્મ હિન્દીના સુપ્રસિઘ્ધ સાહિત્યકાર સર્વેશ્ર્વરદયાલ સકસેનાનું ઓલટાઇમ હિટ નાટક બકરી પર આધારીત છે આ નાટક વિશે એક રસપ્રદ વાત એ છે કે બીબીસીએ એક સર્વે કરેલો કે સ્વતંત્ર્યતા મળ્યા પછી ભારતમાં થયેલા નાટકોમાંથી ટોપ ટેન પ્લે કયા? તો એમાં બકરી નાટકને પાંચમું સ્થાન મળેલું છે. આ નાટકનું ગુજરાતી પાંતરગુજરાતીસાહિત્યકાર, કવિ ચીનું મોદીએ કરેલું છે. જેના પરથી તેમના દિકરા ઉત્પલ મોદીએ સવેશ્ર્વર દયાલ સકસેનાની દિકરીઓ પાસેથી ફિલ્મ બનાવવાના રાઇટસ મેળવીને ફિલ્મનું નિર્માણ કર્યુ છે.
આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક ગામમાં એક દિવસ ત્રણ તડીપાર ગુંડાઓ આવી ચડે છે અને ગામના જ પોલીસવાળાની મદદથી એક બકરીની ચોરી કરે છે. પછી ગામવાળા સમક્ષ તેઓ એવું સાબિત કરે છે કે આ તો ગાંધીજીની બકરી છે અને પછી તો ગાંધીની બકરીના નામે અનેક તૂત ચલાવે છે. આ ફિલ્મના ગીતો ચીનું મોદીએ લખ્યા છે અને સંગીત નાટયકાર નિમેષ દેસાઇએ આપ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે અર્ચન ત્રિવેદી, કિરણ જોષી, બિપીન બાપોદરા, મનિષ પાટડીયા, શૈલેન્દ્ર વાઘેલા અને ડિમ્પલ ઉપાઘ્યાય, આર્ટ ડાયરેકશન શૈલેષ પ્રજાપતિનું છે. સિનેમોટોગ્રાફી દિનેશ જીતીયાએ કરી છે. જયારે એડિટીંગ સુભાષ ઘઇની તાલ, યાદે જેવી હિન્દી ફિલ્મોના એડીયર રહી ચૂકેલા શ્રીનિવાસ પાત્રોએ કર્યુ છે.
આ ફિલ્મ અંગે જણાવતા ફિલ્મના નિર્માતા-દિર્ગ્દશક ઉત્પલ મોદી કહે છે કે અમદાવાદમાં જ બનેલી મારી ફિલ્મ ગાંધીની બકરીને જે રીતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સરાહના મળી રહી છે તેનાથી માત્ર મારો જ નહીં પણ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકાર કસબીઓનો ઉત્સાહ વઘ્યો છે.