મન હોય તો માળવે જવાય
ધો.૧૦માં તમામ વિષયમાં નાપાસ ગુજરાતી છાત્રએ બેનરના ફલેકસમાંથી બનાવેલા પ્લેનના મોડેલનો દેશભરમાં ડંકો
વર્તમાન સમયમાં વિધ્યાર્થીના માર્કસ પરી તેના ભવિષ્યનો અંદાજ લગાવવામાં આવે છે. પરિણામે વિધ્યાર્થી પણ જેમ બને તેમ વધુને વધુ માર્કસ લાવવા ગોખણપટ્ટી કરવા લાગે છે. જો કે, ગોખણપટ્ટીથી અવ્વલ નંબરની દોડમાં સફળતા હાંસલ કરવાનો આ પ્રયત્ન વિધ્યાર્થીના ભવિષ્ય માટે જોખમી નિવડી શકે છે. માત્ર માર્કસ લાવવાની હોડ વિધ્યાર્થીના જીવન પર જોખમ છે. અનેક વિધ્યાર્થીઓ માર્કસ મેળવવાના પ્રેસરના કારણે આપઘાત કરી લેતા હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે ત્યારે એક ઠોઠ નિશાળીયાએ અત્યાધુનિક પ્લેનના મોડલ તૈયાર કરી વિશ્વમાં નામના મેળવી માત્ર માર્કસ ભવિષ્ય નક્કી ન કરી શકે તે ઉક્તિને ર્સાક કરી છે.
વડોદરાના પ્રિન્સ પાંચાલ નામના ૧૭ વર્ષના તરૂણ ધો.૧૦ની પરીક્ષામાં તમામ વિષયોમાં નાપાસ થયો હતો. જો કે, પરીક્ષામાં મળેલી નિષ્ફળતાથી તે નાસીપાસ થયો ન હતો. તેણે ઉડ્ડયન ક્ષેત્રે આગળ વધવાની નિર્ધાર સાથે ધીમે ધીમે પ્લેનના મોડેલ બનાવવાની આવડત હસ્તગત કરી હતી. અત્યાર સુધીમાં તેણે ૩૫ જેટલા લાઈટવેઈટ ઈન્ડિજીનસ પ્લેનના મોડેલ બનાવ્યા છે. આ પ્લેનના રિમોટ કન્ટ્રોલ વડે ઓપરેટ કરી શકાય છે.
આ પ્લેનનું નિર્માણ પ્રિન્સ પાંચાલે હોર્ડિંગ અને બેનરના ફલેકસમાંથી કર્યું હતું. આ મામલે તેણે કહ્યું હતું કે, મારા દાદાએ મને આ કામ કરવાની પ્રેરણા આપી છે. હું ધો.૧૦માં તમામ ૬ વિષયમાં નાપાસ થયો હતો અને ઘરે બેઠો હતો. દરમિયાન મારા ઘરની આજુબાજુ લગાવેલા બેનર અને હોર્ડિંગના ફલેકસમાંથી મેં પ્લેન બનાવવાનું શરૂ કર્યું હતું. મેં આ મામલે ઈન્ટરનેટ પરથી જાણકારી એકત્રીત કરી હતી અને પ્લેન બનાવવાના કેટલાક વિડીયો મેં યુ-ટયુબ ચેનલ પર પણ મુકયા છે. વડોદરાના પ્રિન્સ પાંચાલે બનાવેલા મોડેલ હાલ મેઈક ઈન ઈન્ડિયામાં જવા પર પણ તૈયાર છે. આ મામલે તેણે કહ્યું હતું કે, હું ધો.૧૦માં પાસ થવા ઈચ્છુ છું. જો કે, હું જ્યારે ભણવા બેસુ ત્યારે મને તણાવનો અનુભવ થાય છે. જેથી મારી કોલોનીમાં મને લોકો તારે જમીન પર વાળો છોકરો કહીને બોલાવે છે. તારે જમીનમાં પણ બાળકમાં છુપાયેલા ટેલેન્ટની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ભારતમાં અનેક વિધ્યાર્થીમાં છુપા ટેલેન્ટ સાથે ભણતરના ભાર નીચે દબાયેલા જોવા મળે છે.