ગામના છેવાડે આવેલા પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂની બોટલ સાથે કોન્ટ્રાકટરને પકડી રૂ. ૫૦ હજાર ખંખેર્યા  બાદ બૂટલેગરની

માહિતી કોઠારીયા રોડ પરના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિત્રને આપી બૂટલેગર પાસેથી રૂ. ૪૫ હજાર કઢાવ્યા

દેશભરમાં લોકડાઉનના કારણે પોલીસે તમામ કામો હાલ સ્થગિત કરી માત્રને માત્ર લોકો ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત રહે તેમજ કોરોના વાયરસની મહામારી ન ફેલાઇ તેની તકેદારી રાખવાની કામગીરી કરવાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશના પગલે રાજકોટ પોલીસ પણ હાલ રસ્તા પર અને ચોકે ચોકે વિના કારણે નીકળતા લોકો સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી રહી છે. ત્યારે પોલીસ માટે બે નંબરની આવકમાં સાવ મીઠું થઇ ગયું હોય તેવો ઘાટ સજાર્યો છે. કેટલાક પોલીસ કર્મી આવી પરિસ્થિતિમાં પણ પોતે શીકાર શોધી લેતા હોય છે.

કોરોનાની મહામારીમાં સતત પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ દ્વારા હાલ ચોકે ચોકે વાહનો ચેક કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં પાન, બીડી, તમાકુ મળવું મુશ્કેલ બન્યું છે. અને છાના ખુણે મળતા પાન, માવા બીડી, તમાકુ ના વેચાણ કરતા લોકો પોલીસથી છુપાઇને માલ સામાન વેચી રહ્યા છે.

આવા સંજોગોમાં વ્યસનીઓ ધાંધા થયા છે તેની સાથે સાથે બુટલેગર પણ ભારે સક્રિય બન્યા છે. અને છાના ખુણે પોલીસની બાજ નજરથી બચીને પણ દારુની બોટલનું તગડા ભાવ લઇ વેચાણ કરી રહ્યા  છે. આવા કપરા સંજોગોમાં પણ પોલીસને કયાંને કયાંક બગાસુ ખાતા મોમાં પતાસુ આવી જતું હોય તેમ શિકાર સામેથી જાળમાં ફસાવવા આવતો હોય છે.

લોકડાઉનમાં તમાકુ, બીડી મળતી નથી ત્યારે શહેરના છેવાડે રહેતા એક કોન્ટ્રાટકર બુટલેગર પાસેથી એક બોટલ દારૂ નો માંડ માંડ મેળ કર્યો હતો.

ઠેરઠેર વાહન ચેકીંગ હોવા છતાં કોન્ટ્રાકટર  શહેરના એક છેડેથી બીજા છેડે પહોચી ગયા પણ ઘર પાસે જ પોલીસનો ભેટો થઇ ગયો ગામના છેવાડે આવેલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કોન્ટ્રાકટરને લાલચ આપી કે તને જવા દઇ તારા ઉપર કેસ નહી કરીશ પણ બુટલેગરનું નામ આપી દે ત્યારે કોન્ટ્રાકટરે સામા કાંઠેના બુટલેગરનું નામ આપી પોલીસને ફોનમાં મોડી રાત્રીના વાત કરાવી હતી. પરંતુ લોકડાઉનમાં બે નંબરની આવક બંધ હોય અને શિકાર મળી ગયો તો તકને જવા કેમ દેવી તેથી પોલીસ કોન્સ્ટેબલે કોન્ટ્રાકટરને બૂટલેગરને બોલાવવા દબાણ કરતા અંતે કોન્ટ્રાકટરે મામલો રફે દફે કરવા આજીજી કરતા પોલીસની દાઢ ડળકી હતી અને કોન્ટ્રાકટરને વહીવટ કરવાની વાત કરતા મામલો રૂ.૫૦ હજારમાં સેટલમેન્ટ થયો હતો. રાતોરાત કોન્ટ્રાકટર પાસેથી પોલીસે રૂ.૫૦ હજારનો તોડ કરી કાય બન્યું ન હોય તેમ ઓડકાર લઈ રફુચકકર થઈ ગયા હતા.

બાદમાં તોડ કરનાર કોન્સ્ટેબલે કોઠારીયા રોડ પર આવેલા પોલીસ મથકમાં તેના પોલીસમિત્રને જાણ કરી કે તમારા વિસ્તારના એક બૂટલેગર પાસે વિદેશી દારૂ છે. ત્યારે સામે વાળા પોલીસ કોન્સ્ટેબલે પણ બૂટલેગરના ઘરે રેડ કરતા બૂટલેગર અડધી બોટલ સાથે ઘરમાં દારૂ પીતા ઝડપાયો હતો કોન્ટ્રાકટરને માલ આપ્યો હતો અને તે પકડવાની બૂટલેગરને જાણ હતી જેથી ત્રણ ત્રણ કેસ પોતાના ઉપર લોક ડાઉનમાં થવાની બીકે રેડ કરવા આવેલી પોલીસને ‘વહીવટ’ કરવા આજીજી કરી કોઠારીયા રોડ પરના કોન્સ્ટેબલને મામલો થાળે પાડવા ૪૫ હજાર આપ્યા હતા. ‘અલગ અલગ પોલીસ મથકના તોડબાજ પોલીસ કર્મીઓએ પોતાના થાણા ઈન્ચાજને ગંધ પણ આવવા દીધી ન હતી અને તોડ કાંડ પર પડદો પાડી દીધો હતો.

પોલીસની છબી ખરડતા કોન્સ્ટેબલો સામે તપાસ થશે ?

હાલની લોક ડાઉનની પરિસ્થિતિમાં શહેરનાં ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ સ્ટાફ લોક ડાઉનના અમલ કરાવવાના કામની સાથે સાથે માનવીય અભીગમ દાખવી ભુખ્યાઓને જમાડવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરી પૂણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. ત્યારે આ બંને ‘તોડબાજ’ કોન્સ્ટેબલોએ પોલીસની છબી ખરડાઈ તેવા કરેલા હીનકૃત્યની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.