સંગઠન માળખામાં પાટીદારોને અન્યાય થતા વિરોધના સૂર ઉઠતા સંજય અજૂડિયાની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજયમાં છેલ્લા 27 વર્ષથી સત્તાથી વિમુખ કોંગ્રેસે આ વખતે ભાજપને બરાબરની ફાઈટ આપવા માટે ગંભીર બની ચૂંટણી લક્ષી તૈયારી કરી રહ્યું છે. સંગઠન માળખાને મજબુત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે રાજકોટમાં કોંગ્રેસના હાઈકમાન્ડે નિયમિત પ્રમુખ પ્રદિપ ત્રિવેદી ઉપર કાર્યકારી પ્રમુખને બેસાડતા ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે. નવુ સંગઠન માળખુ જાહેર કરાયા બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળતો હતો. કારણ કે પાટીદારોને નવા સંગઠન માળખામાં યથાવત સ્થાન આપવામાં આવ્યું નહતુ. કાર્યકરોમાં ફાટી નીકળેલા રોષને ધ્યાનમાં રાખી અંતે રાજકોટમાં કોંગ્રેસે પ્રમુખ ઉપર કાર્યકારી પ્રમુખ બેસાડી દીધા છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.12ના પૂર્વ કોંગી કોર્પોરેટર અને યુવા પાટીદાર આગેવાન સંજય અજૂડિયાની ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. નવા સંગઠન માળખામાં સ્થાન ન મળતા કાર્યકરોએ નિષ્ક્રીય થઈ જવાની આડકતરી ચિમકી પણ ઉચ્ચારી હતી. જેને વશ થઈ હાઈકમાન્ડે કાર્યકારી પ્રમુખ તરીકે એક યુવા પાટીદાર નેતાને સ્થાન આપ્યાની ચર્ચાઓ ચાલી રહી છે.સામાન્ય રીતે જયારે સંગઠનના નિયમિત હોદેદારોની મૂદત પૂર્ણ થતી હોય અને નવા હોદેદારોની નિમણુંક થઈ ન હોય ત્યારે પક્ષ દ્વારા કાર્યકારી પ્રમુખ તરીકેના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હોય છે. રાજકોટમાં મહિનાઓ પહેલા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીની નિમણુંક કરી દેવામાં આવી છે. હવે તેના પર કાર્યકારી પ્રમુખ બેસાડી દેવામાં આવ્યા છે. ફરી રાજકોટમાં કોંગ્રેસ ડબલ એન્જીન વાળી બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં જુથવાદ થોડાઘણા અંશે ઘટી રહ્યો છે. હવે ફરી જુથવાદના લબકારા શરૂ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. ત્રિવેદી, અજૂડિયાની જોડી પર હવે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા બનાવવાની સૌથી મોટો પડકાર મોઢુ ફાડીને ઉભો છે.