કોરોનાની મહામારીમાં પેરામેડિકલ સ્ટાફની મદદ માટે તંત્રે લોન્ચ કર્યા રોબોટ નર્સ
રોબોટ નર્સ દર્દીઓને જમવાનું અને દવાઓ આપશે : સ્ટાફની અન્ય મદદ પણ કરશે
હવે શહેરની સિવિલ હોસ્પિટલમાં ૪ રોબોટ કામ કરતા જોવા મળે તો અચંબામાં ન મુકાતા. કારણકે રાજકોટ ના આરોગ્ય તંત્રએ પણ હવે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. અહીં મહામારી દરમિયાન પેરામેડીકલ સ્ટાફની મદદ માટે ચાર- ચાર રોબોટ નર્સ મુકવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે આરોગ્ય તંત્રની મદદ માટે સિવિલ હોસ્પિટલમાં ૪ રોબોટ આજે લોન્ચ કરવામાં આવ્યા છે. સોના ૨.૫ સર્વિસ રોબોટ, સોના ૧.૫ સર્વિસ રોબોટ નામના એક- એક રોબોટ તેમજ કોવિડ-૧૯ સ્ક્રિનિંગ મોડ્યુલ ઇન્ટગ્રેશન રોબોટ નામના બે રોબોટ અહીં મુકવામાં આવ્યા છે.
આ રોબોટ આરોગ્ય તંત્રને ખૂબ મદદપ બનશે. રોબોટ દર્દીઓને દવા તેમજ જમવાનું આપશે. સાથે પેરામેડીકલ સ્ટાફના કામમાં સાથ પણ આપશે. આ રોબોટ આજથી કાર્યરત કરવામાં આવ્યા છે.