કોરોના વાયરસનો બીજો તબક્કો હવે નિયંત્રણમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસ પોતાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ હવે તેનો ગ્રાફ નીચે સરકી રહ્યો છે. ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો અને સંઘપ્રદેશમાં કેસ ઘટવા લાગ્યા છે. જે સ્થાનિક તંત્ર ઉપરાંત સરકાર અને મેડિકલ સ્ટાફ ઉપરાંત વૈજ્ઞાનિકો માટે પણ મોટી રાહતરૂપ છે. એમાં પણ ગુજરાતવાસીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે દેશભરમાં જે રાજ્યોમાં કેસ ઘટ્યા છે અને રિકવરી વધી રહ્યો છે તેમાં ગુજરાત રાજ્ય અવ્વલ નંબરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ બે માસથી કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય સેવાની પણ ઘટ ઊભી થઈ હતી. ઠેર-ઠેર હોસ્પિટલોમાં બેડ ખુટતા દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈનોમાં રઝળતા જોવા મળી રહ્યા હતા. તો આ સાથે રેમડેસીવીર ઈન્જેક્શન, ઓક્સિજનની પણ અછત સર્જાતા સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિ ઊભી થઇ હતી પરંતુ ઘણા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં હવે કોરોનાની બીજી લહેર નિયંત્રત થતા પરિસ્થિતિ અંકુશમાં આવી રહી છે. હાલ મહારાષ્ટ્ર,ગુજરાત, દિલ્હી,પંજાબ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કેસ ઘટતા નોંધાઈ રહ્યા છે. દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ -19ની આ એક જીવલેણ બીજી તરંગથી થોડી રાહતની આશા જાગી છે. જેણે માર્ચ માસથી આખા દેશને પોતાની પકડમાં લઈ લીધો હતો.
આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે એપ્રિલના રોજના કેસ 4 લાખને પાર કર્યા પછી, દરરોજ નવા કેસોની સંખ્યા ક્રમશ ઘટીને અનુક્રમે 1 અને 2 મે એ 3.92 અને 3.68 થઈ છે. સક્રિય કેસોમાં સાત દિવસનો મૂવિંગ સરેરાશ દર હવે 2.9% છે.