- શહેરી વિસ્તારોમાં શિક્ષણ પાછળ થતા ખર્ચનું પ્રમાણ ઘટ્યું 1.12 ટકા ઘટયું
પાછલા 10 વર્ષમાં પાન, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોનો વપરાશ વધ્યો છે અને લોકો તેમની આવકનો મોટો હિસ્સો આવા કૈફી પદાર્થ પર ખર્ચી રહ્યા છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે 2022-23માં બહાર આવ્યું છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ ઘરના ખર્ચના હિસ્સા તરીકે પાન, તમાકુ અને નશા પરનો ખર્ચ વધ્યો છે.
ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં આ વસ્તુઓ પરનો ખર્ચ 2011-12માં 3.21 ટકાથી વધીને 2022-23માં 3.79 ટકા થયો છે. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં આનો ખર્ચ 2011-12માં 1.61 ટકાથી વધીને 2022-23માં 2.43 ટકા થયો હતો. શહેરી વિસ્તારોમાં શિક્ષણ પાછળ થતા ખર્ચનું પ્રમાણ ઘટ્યું તે આશ્ચર્યજનક છે.
જો આપણે શહેરી વિસ્તારોની વાત કરીએ તો શિક્ષણ પરનો ખર્ચ 2011-12માં 6.90 ટકાથી ઘટીને 2022-23માં 5.78 ટકા થયો છે. તે જ સમયે, ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તર 2011-12માં 3.49 ટકાથી ઘટીને 2022-23માં 3.30 ટકા થયો છે. આ સર્વેક્ષણ ઓગસ્ટ 2022 થી જુલાઈ 2023 દરમિયાન ઘરેલુ વપરાશ ખર્ચ સર્વે (HCES) હેઠળ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ 2011-12માં 8.98 ટકાથી વધીને 2022-23માં 10.64 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 2011-12માં 7.90 ટકાથી વધીને 2022-23માં 9.62 ટકા થયો હતો. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં પરિવહન પરનો ખર્ચ પણ 2011-12માં 6.52 ટકાથી વધીને 2022-23માં 8.59 ટકા થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ તે 2011-12માં 4.20 ટકાથી વધીને 2022-23માં 7.55 ટકા થઈ ગયું છે.