જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના વાઉ પ્રોજેકટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણીક અને આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવાશે

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં શૈક્ષણીક સામજીક અને આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાના આશયથી જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા ‘વાઉ’ બસ પ્રોજેકટનો નવીનતમ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ ‘વાઉ’ બસ આજથી પડધરી તાલુકાના ૬૦ ગામોમાં પરિભ્રમણ શરૂ કરવાની છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં પડધરી તાલુકાના ૬૦ ગામોને પ્રોજેકટનો લાભ આપવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ‘વાઉ’ પ્રોજેકટ અમલમાં મૂકયો છે. આ પ્રોજેકટમાં ખાસ પ્રકારની ‘વાઉ’ બસ બનાવવામાં આવી છે. જે અનેક સુવિધાથી સજજ છે. આ બસના માધ્યમથી સામાજીક, શૈક્ષણીક તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘વાઉ’ બસ આજથી પડધરી તાલુકાના પરિભ્રમણે નીકળી છે. જે ફેબ્રુઆરીનાં અંત સુધીમાં પડધરી તાલુકાના ૬૦ ગામોને આવરી લેશે.

પ્રોજેકટ હેઠળ પડધરી તાલુકામાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા વિવિધ લખાણનાં સ્ટીકર્સ તેમજ સંદેશા આપતા પેઈન્ટીંગ દોરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા મતદાન અને સરકારી યોજના અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. બાળકોનાં ઘડતર માટે શિક્ષણ કેટલો મહત્વનોભાગ ભજવે છે. તે અંગે વાલીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપવામાં આવશે.

‘વાઉ’ બસ આજથી ૨૮મી ફેબ્રુઆરી સુધી પડધરી તાલુકામાં ફરવાની છે. જેમાં આજે જીવાપર અને વિસામણ ગામે કાર્યક્રમ યોજાયો હતો. દરરોજ તાલુકાના બે ગામોમાં ફરીને ‘વાઉ’ બસ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે. તા.૯ને શનિવારના રોજ પડધરીના કોમ્યુનીટી હોલ પાસે પણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.