વેક્સિનેશનની કામગીરીમાં રાજ્યના મુખ્ય શહેરોમાં રાજકોટનો સમાવેશ: મેયર
રાજ્યમાં કોરોના વેક્સીનના 10 કરોડથી પણ વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. વેક્સીનેશન કામગીરીમાં ગુજરાતના ટોપ-5 શહેરોમાં રાજકોટનો સમાવેશ થઇ રહ્યો છે. શહેરમાં 91 ટકાથી વધુ લોકો વેક્સીનના બંને ડોઝ લઇ કોરોના સામે સુરક્ષિત થઇ ગયા છે. મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર દ્વારા રાજ્યમાં 10 કરોડથી વધુ લોકોને કોવિડ-19 સામેની વેક્સીન આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ વેક્સીનેશનની કામગીરીમાં રાજ્યના અગ્રિમ હરોળના શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ છે.
રાજકોટ મહાનગરપાલિકાની 18+ માટે ફર્સ્ટ ડોઝનો ટાર્ગેટ 11,42,093 હતો. જેની સામે 13,65,216 એટલે કે 119% વેક્સીનની કામગીરી કરેલ છે. જેમાં બીજા ડોઝનો ટાર્ગેટ 12,01,142 આપેલ. જેની સામે 10,84,980 એટલે કે 91% વેક્સીનની કામગીરી કરેલ છે. આ ઉપરાંત 15 થી 18 વર્ષની વયના બાળકોને પ્રથમ ડોઝ 62,046 અને 32,498 બીજો કો-વેક્સીનનો ડોઝ આપવામાં આવેલ છે. જ્યારે પ્રિકોશન વેક્સીનનો ડોઝ 44,726 લોકોને આપેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેક્સીનની કામગીરીને કારણે રાજ્યના અગ્રીમ હરોળના શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ છે. જે ગૌરવની બાબત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માટે જુદી જુદી સંસ્થાઓને જોડી વેક્સીનના કેમ્પોનું આયોજન કરેલ. તમામ આરોગ્ય કેન્દ્રો પર, ત્રણેય ઝોન કચેરીઓ, બાંધકામ સાઈટો, ઉપરાંત શહેરની જુદી જુદી શૈક્ષણિક સંકુલોમાં ઝુંબેશના સ્વરૂપે વેક્સીનની કામગીરી કરેલ છે.
જે બદલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન પાઠવેલ. કોરોના સામે વેક્સીન એક રામબાણ ઈલાજ છે. વેક્સીનથી લોકોને એક કવચ મળી રહે છે. જેથી શહેરના હજુ પણ જે લોકોને વેક્સીનનો ડોઝ લેવાનો બાકી હોય તેઓ વહેલી તકે વેક્સીન લઈ લે તેવી પદાધિકારીઓએ અપીલ કરી છે.