ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગણપતિ મહોત્સવ ખુબ જ સાદાઈથી ઉજવાઈ રહ્યો છે. ભકતોએ પોત પોતાના ઘરે જ ગણપતિજીને બિરાજમાન કર્યા છે. ખુબ જ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ સવાર-સાંજ બાપાની આરતી, પૂજન-અર્ચન કરી રહ્યા છે ત્યારે શહેરના ધ્રુવનગર વિસ્તારમાં નવ વર્ષથી સ્થાપના જયારે સુભાષનગરમાં છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે રાસ-ગરબા સહિતના આયોજનો રદ કરી ખુબ જ સાદગીપૂર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
વિશાલ મહારાજે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ઘરે છેલ્લા ૯ વર્ષથી ગણપતિની સ્થાપના થાય છે. અમે બાપાની ખુબ જ સેવા અને પુજા કરીએ છીએ. પરંતુ આ વર્ષે ખુબ જ સાદાઈથી પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. આ વર્ષે વધુ ભકતોને એકત્ર થવા દેવામાં આવતા નથી અને ઘણુ દુ:ખ પણ થયું છે. ગણપતિ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે, જલ્દી જ કોરોનામાંથી લોકોને મુકિત મળે અને આવતા વર્ષે ગણપતિ ઉત્સવ ધામધુમથી ઉજવાય અને ગણપતિ બાપા લોકો પર કૃપા રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.
રીશવ મહારાજે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ૯ વર્ષથી ગણપતિની સ્થાપના અમે કરીએ છીએ અને દર વર્ષે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીએ છીએ પણ આ વર્ષે કોરોનાને કારણે ગણપતિ દાદાને શાંતીપૂર્વક બિરાજમાન કર્યા છે. આયોજન પણ નાના પાયે કરવામાં આવ્યું છે. વિસર્જનમાં પણ લોકોને ભેગા કરવામાં નહીં આવે અને દર્શન કરવા આવતા લોકોને પણ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું સુચન કર્યું છે તથા હાથ પણ સેનેટાઈઝ કરીને જ દર્શન કરવાનું કહ્યું છે. નિયમિત સવારે ૯ વાગ્યે અને સાંજે ૮ વાગ્યે દાદાની આરતી ઉતારવામાં આવે છે.