વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના વડપણ હેઠળ જાસપુર ખાતે ૧૦૦ વિધામાં ૧૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામના આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે. આવનાર તા. ૨૮,૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
આ શિલાન્યાસ મહોત્સવના પૂર્વે મા ઉમિયા મંદિરનો પાયો ( શિલાન્યાસ) ભગિરથી મા ગંગાના જળથી થવાનો છે. મા ગંગાનું જળ સાક્ષાત સ્વરૂપે મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ કરશે. આ મા ગંગાના પવિત્ર જળથી ભરેલા ૧૦૮ નિધિ કળશની વિશ્વઉમિયાધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પુજા કરી સમગ્રના વિશ્વમાં તેની પવિત્રતા અને આસ્થાને ઉજાગર કરવા ભ્રમણ અર્થે મોકલાયા છે.
૧૦૮માંથી સૌ પ્રથમ કળશ ઉમિયા માતાજી મંદિર ઉંઝા ત્યારબાદ ઉમિયાધામ સિદસર, ગાંઠીલા, વાંઢાઈ-કચ્છ તથા ગુજરાતના અન્ય જિલ્લાઓ-શહેરો ઉપરાંત વિદેશમાં અમેરિકા અને કેનેડાના યજમાનોને વાજતે-ગાજતે વિતરણ કરાયું છે.
વિશેષમાં અમદાવાદ શહેરના સ્થાનિક યજમાનોના કળશ ઘરે ઘરે વિતરણ કરવા સ્વયંસેવકોએ રથ સાથે પ્રારંભ કરી દીધેલ છે. આ પવિત્ર કળશોનું પૂજન અને પધરામણી તારીખ ૨૭ ફેબ્રુઆરી સુધી વિશ્વભરના મા ઉમિયાના ભક્તોના ઘરે ઘરે થશે અને સાથે સાથે મા ઉમિયાની ભક્તિ પણ થશે.
ત્યારબાદ શિલાન્યાસ માટે તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી વિશ્વ ઉમિયાધામ ખાતે પરત લાવવામાં આવશે. જે કળશમાં રહેલા પવિત્ર ગંગાજળથી વિશ્વ પ્રસિદ્ધ સંતો-મહંતો અને દાતાશ્રીઓ ના હસ્તે ૧૦૮ શિલાઓનું પુજન કરી શિલાન્યાસ કરવામાં આવશે. તારીખ ૨૮- ૨૯ ફેબ્રુઆરી ના આવનારા શિલાન્યાસ મહોત્સવની ઐતિહાસિક ક્ષણના સહભાગી બનવા દેશ અને વિદેશમાંથી હજારો મા ઉમિયાના ભક્તો પધારશે.