HIVની સ્વ-પરીક્ષણ કીટને અભૂતપૂર્વ પ્રતિસાદ ડિસેમ્બર માસ સુધીમાં ફાર્મસીમાં ઉપલબ્ધ થઈ જશે
ભારત હવે એચઆઈવી નિદાનમાં મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે. એચઆઇવીને ઓળખવા માટે સ્વ-પરીક્ષણ કીટની સ્વીકાર્યતા અને શક્યતાને માપવા માટે ગયા અઠવાડિયે શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય અભ્યાસને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, સ્વ-પરીક્ષણ કીટ વાયરસના પરીક્ષણમાં પરિવર્તન લાવી શકે છે અને તેમની એચઆઈવી સંક્રમણ અંગે અવગત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
એચઆઈવીનો ઉચ્ચ વ્યાપ ધરાવતા રાજ્યોના 50 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં લગભગ 93,500 લોકો પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વ-પરીક્ષણ કીટ માટે એકંદરે સ્વીકાર્યતા 88% નોંધાઇ છે અને સર્વેક્ષણ કરાયેલ વસ્તીના અમુક વિભાગોમાં તો 97% જેટલી ઊંચી સ્વીકાર્યતા નોંધાઇ છે. લગભગ 95% વપરાશકર્તાઓને પરિણામોનો ઉપયોગ અને અર્થઘટન કરવાનું સરળ લાગ્યું છે. લગભગ 70% લોકોએ કહ્યું કે તેઓ આવા પરીક્ષણ માટે પૈસા ખર્ચવા તૈયાર છે. સ્વ-પરીક્ષણમાં વ્યક્તિ તેની પોતાની લાળ અથવા લોહીના નમૂનાઓ એકત્રિત કરે છે અને પછી ઝડપી ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને એચઆઇવી પરીક્ષણ કરે છે. મહત્વની વાત એ છે કે, પરીક્ષણ કર્યાના ફક્ત 20 મિનિટમાં જ પરિણામ મેળવી શકાય છે.
હાલમાં ભારતમાં એચઆઈવી પરીક્ષણ મુખ્યત્વે પ્રયોગશાળા આધારિત છે. તેથી સ્વ-પરીક્ષણ વ્યક્તિ તેમના ઘર અથવા અન્ય કોઈપણ સ્થળે પરીક્ષણ કરી શકશે. નિષ્ણાતોના મત મુજબ, આગામી દિવસોમાં આ કીટ ફાર્મસીઓમાં સહેલાઈથી ઉપલબ્ધ થશે અને ગર્ભાવસ્થા પરિક્ષણ કરવા જેટલી સામાન્ય બની જશે. સ્વ-પરીક્ષણ કીટ છેવાળાના માનવી માટે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ચાવીરૂપ બનશે જેઓ નિયમિત પરીક્ષણ માટે હોસ્પિટલ સુધી જવામાં અસમર્થ છે અથવા તો તેઓ જાહેરમાં પરીક્ષણ કરવા માંગતા નથી તેવું ઓપરેશન્સ-એચઆઇવીના નાયબ નિયામક ડો આશા હેગડેએ જણાવ્યું હતું. વર્ષ 2021માં આ અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 68% પુરુષો સહભાગી થયા હતા. જ્યારે 27% સ્ત્રીઓ અને 5% ટ્રાન્સજેન્ડરે ભાગ લીધો હતો.
આ સુવિધા પાછળ વર્ષ 2030 સુધીમાં એચઆઈવી એઇડ્સને નાબૂદ કરી દેવાનો લક્ષ્યાંક છે. જેમાં સ્વ પરિક્ષણ કીટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. હાલ લોકો સમાજમાં બદનામી જેવા ડરને લીધે હોસ્પિટલમાં જઈને એચઆઇવી પરીક્ષણ કરવાનું ટાળે છે ત્યારે સ્વ પરીક્ષણ કીટ હવે ઘરે બેઠા ટેસ્ટ કરવાનો વિકલ્પ આપશે જેથી લોકો જાહેરમાં આવ્યા વગર જ ટેસ્ટ કરી શકશે અને ટેસ્ટના પરિણામ જાણ્યા બાદ સમયસર નિદાન થકી એચઆઇવીમાંથી મુક્તિ મેળવી શકશે.