ગત તારીખ ૮ માર્ચે સમગ્ર દેશમાં વિશ્વ મહિલાદિનની શાનદાર ઉજવણીઓ કરવામાં આવી. નાનામાં નાના શહેરોની બહેનોએ પણ પોતપોતાની રીતે આ દિવસને ઉજવ્યો. વિદેશથી આયાત કરેલો આ તહેવાર ભારતીય નારીઓએ શાનદાર રીતે ઉજવ્યો. ભારત એ ’સર્વધર્મ સમભાવ’નો દેશ છે. વિદેશી ધર્મો અને તહેવારોની આપણાં દેશમાં હોંશભેર ઉજવણી કરનારી ઉત્સાહી પ્રજા છીએ આપણે સૌ.

સ્ત્રીઓને  તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના હેતુથી આ દિવસ ઉજવવાની શરૂઆત વિદેશોમાં થઈ હતી. સમય જતાં આ દિવસને ભારતીય પ્રજાએ પણ તહેવાર માફક ઉજવવાનું શરૂ કર્યુ. ભારત અન્ય દેશોથી અલગ પડે છે એની સંસ્કૃતિ અને એના મૂલ્યો થકી. ભારત પુરુષપ્રધાન દેશ છે. આપણી સમાજરચના-સમાજવ્યવસ્થા અન્ય દેશો કરતાં ઘણાં અલગ છે. ભારતીય પરંપરા મુજબ જુના જમાનામાં સ્ત્રીઓ ઘર સંભાળતી અને પુરુષ આજીવિકા સંભાળતો. સ્ત્રીના ભાગે ઘરકામ,સામાજિક વ્યવહાર અને બાળ ઉછેર મુખ્યત્વે આ ત્રણ જવાબદારીઓ હતી. એ સમયમાં સ્ત્રીશિક્ષણનો પ્રચાર પ્રસાર નહિ થયેલો પરિણામે દરેક સ્ત્રીનું કામ તથા જીવનધોરણ લગભગ સમાન રહેતું. એ સમયમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન લગભગ સરખું જ રહેતું હોવાથી દેખાદેખી,ઈર્ષ્યા કે આગળ નીકળવાની હોડ જેવા આજના સમયના દુષણો નહોતા.

બદલાતા સમય સાથે કન્યા કેળવણીનું મહત્વ વધ્યું, સ્ત્રીશિક્ષણના પગલે પગલે સ્ત્રીઓનો પગભર થવાનો મોહ વધ્યો.સ્ત્રીઓના વિકાસ માટે, આત્મસન્માન માટે અને દેશના આર્થિક વિકાસ માટે પણ સ્ત્રીઓ કમાય એ જરૂરી છે આવી વિચારધારા ફેલાવા લાગી. ધીમે ધીમે સ્ત્રીઓએ દરેક ક્ષેત્રે ઝંપલાવવાનું શરૂ કર્યું. આજે એક સફાઈ કર્મચારી થી લઈને પાઇલોટ સુધીના તમામ ક્ષેત્રો સ્ત્રીઓએ હસ્તગત કર્યા છે.સ્ત્રી જ્યારે આર્થિક ક્ષેત્ર સંભાળે છે ત્યારે એ દેશને પણ પ્રગતિના માર્ગે લઈ જવામાં સહાયરૂપ થાય છે ત્યારે સરકાર પણ એમના વિશે વિચારે અને એમને મદદરૂપ થતા અમુક કાયદાઓ બનાવે એ જરૂરી છે. સરકારી ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓને સરળતા રહે અને એ ઘર,બાળકોની જવાબદારી સાથે નોકરી સાંભળી શકે એ હેતુથી  સરકારે કાયદામાં ઘણીજ જોગવાઈ કરી છે. ખાનગી ક્ષેત્રોમાં પણ સ્ત્રીના પરિવાર સાંભળવાના મુખ્ય કાર્યને ધ્યાનમાં લઈ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. સ્ત્રી શિક્ષણને વેગ મળે અને નાનામાં નાના ગામડાંની દરેક કન્યા કેળવણી મેળવી શકે એ હેતુથી પણ સરકાર દ્વારા ઘણી  યોજનાઓ અમલમાં મુકાઈ છે. આજે સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ઘણું જ વધ્યું છે.

સ્ત્રીઓ શિક્ષિત થઈ, કમાતી થઈ એમ એમ એ કેરિયરિસ્ટ થતી ગઈ. પુરુષ સમોવડી થવાની જાણેકે એક હોડ લાગી. પુરુષને મ્હાત કરવાની, એને બતાવી દેવાની અને પોતે પણ કમાય છે માટે એને પણ સ્વતંત્ર જીવવાનો અધિકાર છે એવું સાબિત કરવાનું એક જૂનૂન સવાર થયું. આર્થિક પગભર સ્ત્રી સ્વતંત્ર વિચારતી થઈ,જીવતી થઈ. સામાજિક મૂલ્યો, જવાબદારીના બંધનો ફગાવતી થઈ. આજે મહિલાદિનની ઉજવણી કંઈક આવી રીતે થવા લાગી છે આ એક દિવસ કામકાજ માંથી મુક્તિ લઈ આરામ,હરવું ફરવું અને પાર્ટી કરવી. આ રીતે ઉજવણી જરૂરી છે  પરંતુ જે શિક્ષણ  કે જે કમાણી સંસ્કાર,પરંપરા અને મૂલ્યો ભૂલવી દે એ કેવું શિક્ષણ? એ કેવી કમાણી?  પોતાના અધિકારો વિશેની જાગૃતિ માટે ઉજવાતા આ દિવસ વિશે કેટલી સ્ત્રીઓ જાણે છે? સમાન અધિકારની વાતો કરતી આજની સ્ત્રીઓ નોકરીમાં, બસ કે ટ્રેનની મુસાફરીમાં કોઈપણ કાર્યાલયમાં લાગતી લાઈનોમાં પોતાના સ્ત્રી હોવાનો વિશેષ અધિકાર / વિશેષ સવલતો માંગે છે. આ કેવી સમાનતા? આ કેવું સમોવડાપણું?

હાલના કાયદાઓ સંપૂર્ણ સ્ત્રી તરફી છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. શિક્ષણના પગલે સ્ત્રીઓમાં પોતાના હક્કો વિશે જાગૃતિ આવી અને એ સાથે જ સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશ ચાલી. રોઈને રાજ લેતી સ્ત્રીઓ પણ એને અન્યાય થઈ રહ્યાની લાગણી અનુભવવા લાગી. નારી રક્ષા અને નારીને થતા અન્યાય માટે અવાજ ઉઠાવનાર અનેક સંસ્થાઓ કાર્યરત થઈ અને આ બધા પછી પણ સ્ત્રી જરૂરિયાતે અબળા અને બિચારી બનવાનું નથી ચૂકતી. શુ આ છે સ્ત્રી સશક્તિકરણ?

સ્ત્રી શિક્ષણ, સમાન હક્ક, આર્થિક પગભર હોવું – આ બધા જ બદલાવ ઘણા જ સારા છે પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોને જીવંત રાખવા અને આવનારી પેઢીમાં એ રોપવા એ આજે પણ સ્ત્રીનું જ કાર્ય છે. બાળકમાં ઉત્તમ સંસ્કારનું સિંચન કરવું એ આજે પણ માતાની જ જવાબદારી છે. માત્ર શિક્ષિત માતા જ બાળકને ઉત્તમ નાગરિક બનાવી શકે એવુ જ હોય તો  માતા જીજાબાઈ કે મા અંજની ક્યાં કોઈ યુનિવર્સિટીનું શિક્ષણ લેવા ગયેલા? દરેક સ્ત્રીની પહેલી ફરજ એનું બાળક છે, સ્ત્રી ’સમોવડી’ નહી હોય તો ચાલશે પણ ’સંસ્કારી’ તો હોવી જ જોઈશે.

આજનું બાળક બહુ જ નાની ઉંમરમાં વ્યસન સેવતું થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર, છેતરપિંડી, અનીતિ, કાયદાનો ભંગ આ તમામ અવગુણો આજની પેઢીની સૌથી મોટી સમસ્યા છે. સ્વતંત્ર જીવનશૈલીના મોહમાં સ્ત્રી પોતાના બાળક અને પરિવાર પ્રત્યેની પોતાની પાયાની જવાબદારીઓથી દૂર ભાગી રહી છે. સમાજવ્યવસ્થામાં અડચણરૂપ કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે જેના મૂળમાં માત્ર સ્ત્રી જવાબદાર હોય છે. સ્ત્રીના દરેક રૂપ વંદનીય છે,પૂજનીય છે. સ્ત્રી જ્યારે , હતી ત્યારે સમજવ્યવસ્થા ઘણી જ સારી હતી. સ્ત્રી શિક્ષિણ સાથે સમાનતા અને સ્વતંત્રતાતો આવી જ પરંતુ એ સાથે અંગ્રેજી શિક્ષણ, વિભક્ત કુટુંબ, હોસ્ટેલ અને વૃદ્ધાશ્રમો પણ આંગળીયાત તરીકે આવ્યા. બાળકને બાલ્યકાળથી જ પુસ્તકનો સંગ કરાવવો એ મા ની જવાબદારી હોય છે પરંતુ આજે પુસ્તકને બદલે મોબાઈલ, આઉટડોર ગેમને બદલે પ્લેસ્ટેશન, દાદીની વાર્તાઓને બદલે કાર્ટૂન ચેનલ્સ, હાલરડાંને બદલે ફોન કે ટીવી પર સંભળાવાતા ગીતો… પરિણામે બાળક સંસ્કાર કે પરંપરાથી અજાણ જ રહી જાય છે.વિદેશીઓ આપણાં દેશમાં આવે છે,ફરે છે, આપણી સંસ્કૃતિ અને આપણાં શિલ્પોથી પ્રભાવિત થાય છે. એ બધું જોવે છે, જાણે છે,માણે પરંતુ બહુ સમજણપૂર્વક કંઈ અપનાવે છે. ભારતીય પહેરવેશ હોય, ખાનપાન હોય કે જીવનશૈલી એ કશાનું  આંધળું અનુકરણ નથી કરતા. આપણાં વેદો અને  શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એમાંથી સંશોધનો કરે છે અને જે ચરકસંહિતા જેવું બધું આપણે છોડી દીધું એ બધાને આધુનિક રૂપ આપી એમાંથી એ કમાય પણ છે. આપણું આયુર્વેદ આપણને જ વેંચે છે.

આપણે ભારતીયોએ પણ  વિશ્વ મહિલાદિનની ઉજવણી ચોક્કસ કરવી જોઈએ પરંતુ આપણાં મૂલ્યો સાચવીને, આપણી પરંપરા જાળવીને, આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન કરવાનું પ્રણ લઈને- ત્યારે જ આપણે ખરા અર્થમાં વફાદાર નાગરિક બનીશું. પુરુષોએ પણ એ યાદ રાખવું જોઈએ કે એક દિવસ નારીની ગાથા ગાવાથી,એને સન્માનવાથી કે એને કામમાંથી મુક્તિ આપી દેવાથી મહિલાદિનની ઉજવણી પુરી નથી થઈ જતી, દેશમાં રોજબરોજ બનતા બળાત્કાર,છેડતી અને સ્ત્રી શોષણના કિસ્સાઓનો અંત આવશે એ સમયે ખરા અર્થમાં મહિલાદિન ઉજવ્યો ગણાશે. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ન્યાય અપાવવા માટે રેલી કે સૂત્રોચ્ચાર પર્યાપ્ત નથી.બાલ્યકાળથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી આવી બદીઓને ડામવામાં સફળ થઈશું ત્યારે મહિલદિવસ ની ઉજવણી કરી કહેવાશે.વિશ્વ મહિલદિવસ એ માત્ર મહિલાના ગુણગાન ગાવાનો દિવસ નથી, પુરુષોએ મહિલાને સહકાર,સલામતી અને સન્માનની રક્ષા કરવાનું વચન આપવાનો દિવસ છે તો સાથોસાથ મહિલાઓએ સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા સાચવવાનું તથા બાળકમાં ઉત્તમ સંસ્કાર સિંચન થકી દેશને ઉત્તમ નાગરિક આપવાનું વચન આપવાનો દિવસ છે.મિરર ઇફેક્ટ : ભારતીય સંસ્કૃતિ દિપ પ્રગટાવી ઉજાસ ફેલાવે છે જ્યારે વિદેશી સંસ્કૃતિ કેન્ડલ બુઝાવી અંધકાર ફેલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.