ટેલીગ્રામ એપ્લીકેશનની સરખામણીમાં વોટ્સએપમાં જોવા મળી રહ્યા છે અનેક છીંડાઓ: આઈ કલાઉડ અને ગુગલ ડ્રાઈવ પર સ્ટોર થયેલા વોટ્સએપનાં ડેટા નથી થઈ શકયા ‘એન્ક્રીપ્ટ’
સમગ્ર વિશ્ર્વમાં મેસેજીંગ એપ્લીકેશન તરીકે સુપ્રસિઘ્ધ થયેલ વોટસએપ જાણે વિશ્ર્વ આખા માટે જોખમી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વોટસએપ ઉપર અનેકવિધ પ્રકારનાં આરોપો અને પ્રતિઆરોપો લગાવવામાં આવ્યા છે. આ પ્રસંગે પોતાની ભુલ સ્વિકારવાના બદલે ફેસબુક દ્વારા ચલાવવામાં આવતા વોટસએપનો જાણે લુલો બચાવ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ તકે વોટસએપની સરખામણીમાં ટેલીગ્રામ અત્યંત સુરક્ષાયુકત હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી વોટસએપમાં નાના-મોટા અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. સાથો સાથ હેકિંગ થવાના પ્રશ્ર્નો પણ ઘણા ખરા અંશે ઉદભવિત થયા છે. વોટસએપની સુરક્ષા અંગે જો વાત કરવામાં આવે તો વિશ્ર્વનાં સૌથી ધનિક એવા જૈફ બેઝોસનું વોટસએપ એકાઉન્ટ હેક થઈ જતા વોટસએપની સુરક્ષા ઉપર અનેકવિધ પ્રકારે પ્રશ્ર્નો ઉદભવિત થયા છે જયારે બીજી તરફ વોટસએપ દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનની સુવિધા પણ આપવામાં આવી છે જે પૂર્ણત: કામ કરી શકતું ન હોવાનું પણ સામે આવ્યું છે. ટેકનોલોજીનાં તજજ્ઞોનું માનવું છે કે વોટસએપની સરખામણીમાં ટેલીગ્રામનાં મેસેજો એટલે કે ચેટ સુરક્ષાયુકત છે કે જેને હજુ સુધી કોઈપણ રીતે હેક કરી શકાતા નથી. જયારે બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધુ જોખમી હોય તો તે હવે વોટસએપ માનવામાં આવે છે જેનું કારણ એ છે કે વોટસએપ ગમે તે સમયે અને ગમે તેટલી વાર હેક સરળતાથી કરી શકાય છે જે અંગે વોટસએપ દ્વારા એક પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. વોટસએપનાં ડેટા કે જે આઈ કલાઉડ અને ગુગલ ડ્રાઈવમાં સ્ટોર કરવામાં આવે છે તેને બેકઅપ લેતા સમયે ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. બેકઅપ સમયે જે મેસેસજ એનક્રીપ્ટ થવા જોઈએ તે ન થતા વોટસએપની સુરક્ષા ઉપર અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થયા છે ત્યારે તજજ્ઞોનું માનવું છે કે જો વોટસએપની તમામ સેવાઓને સુરક્ષા આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વોટસએપ વિશ્ર્વભરમાં બંધ થવાનો સમય આવશે અને હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પણ લોકોનો વોટસએપ પ્રત્યેનો જે ભરોસો છે તે દિન-પ્રતિદિન ઘટતો જોવા મળી રહ્યો છે.