રાજયના 14 જિલ્લામાં વસવાટ કરતાં 89 લાખ આદિવાસી ભાઇ-બહેનોના વિકાસ માટે અનેક યોજના કાર્યરત
આર્થિક ઉત્કર્ષ’ની વિવિધ યોજનાઓના માધ્યમથી ગત વર્ષ 2022-23માં અંદાજે 1.41 લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપી વધુને વધુ આર્થિક પગભર બનાવવાની દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.
ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની 8.1 ટકા વસ્તી ગુજરાતમાં છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં 89 લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ચાલુ વર્ષના ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. 3,410 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રૂ. 770.19 કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ’વન બંધુ કલ્યાણ યોજના-2’ હેઠળ વર્ષ 2021-22 થી 2025-26 સુધીમાં રૂ. 1 લાખ કરોડની અંદાજપત્રીય જાહેરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીનાં 14 જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે.
આદિવાસીઓની પ્રવૃત્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતે “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે. રાજ્યના આદિજાતિ ગામડાંઓની મુલાકાત લઈએ ત્યારે છેલ્લા બે દાયકામાં 360 ડિગ્રીએ થયેલા વિકાસને અનુભવી શકાય છે.
ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસીઓના સર્વાંગીણ આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ 13 યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ સાથે કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2012-13માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે. જેમાં સહાયરૂપે વિવિધ પાક અનુસાર સરેરાશ રૂ. 4,500 જ્યારે વધુમાં વધુ રૂ. 5,000 સુધીના કિંમતની ખાતર અને બિયારણની કીટ્સનું નજીવો રૂ. 500નો ફાળો લઈને વિતરણ કરવામાં આવે છે. ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023’ અંતર્ગત 14 જિલ્લાના આદિજાતિ ખેડૂતોને આ યોજના હેઠળ પ્રથમવાર વિવિધ ‘જાડા ધાન્ય’નું બિયારણ આપી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાયા છે.
વર્ષ 2003માં આદિવાસી બાંધવોના વિકાસ માટે માત્ર રૂ. 208 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવતી હતી જ્યારે હાલમાં એટલે કે વર્ષ 2023-24ના બજેટમાં આ રકમ વધારીને રૂ. 3,410 કરોડ કરવામાં આવી છે. જે આદિજાતિઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત સર્વાંગી વિકાસની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ દર્શાવે છે.