વસુધૈવ કુટુંબકમ્ની ભાવનામાં માનનારી આપણી સંસ્કૃતિનું વૈશ્વિક યોગદાન હવે કેવુ રહેશે?
વૈશ્વિક શાંતિ, આતંકવાદ, અને આંતરિક બાબતે અન્ય દેશોના હસ્તક્ષેપ વિશે સરકાર કેવા પગલા લેશે?
ડામાડોળ થયેલી વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને આશાનું નવું કિરણ એવુ ભારત કઇ રીતે સઘ્ધર અને સ્થિર કરશે?
૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર ૨૦૧૯માં ફરી ચૂંટાઇ આવી છે. સરકારના વિકાસમંત્રને આગળ ધપાવવાના વિશ્વાસ સાથે ભારતીયોએ સરકારના વિઝનરી નિર્ણયોના સ્વીકારરૂપે ફરી પાંચ વર્ષ માટે મોદી સરકારને ચૂંટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ચોકીદાર તરીકેની જવાબદારી પણ સોંપી દીધી છે.
ભારતમાં સશક્ત અને સક્ષમ સરકાર સ્થિરતાથી કામગીરી કરશે એ ઉપરાંત હાલ વૈશ્વિક સ્તરે અરાજકતા ભરેલી આર્થિક પરિસ્થિતિ માટે પણ મોદી સરકાર આશાનું કિરણ બની રહેશે. ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળા દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ચીનને પાછળ રાખીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહી છે. જીડીપીના આધારે ભારત વિશ્વની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ખરીદ શક્તિ સમાનતા આધારે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા ભારત છે.
મોદી સરકારે દેશના વિકાસને નવી દિશા અને ઉંચાઇ બક્ષી છે અને હજુ જળમાર્ગ પરિવહન, બુલેટ ટ્રેન દોડતી કરવા સહિતના વિકાસશીલ એજન્ડા દર્શાવે છે કે ભારત હવે માળખાકીય સુવિધાઓમાં વિસ્તાર સાથે સ્માર્ટ સિટીના અભિગમ દ્વારા નાગરિકોના જીવનધોરણને વૈશ્વિક રૂપરેખા આપવામાં પણ પ્રયત્નશીલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશો વિશ્વ જનસમુદાય સમક્ષ પ્રસ્થાપિત કર્યો.
વાત દ્વિપક્ષીય સંબંધોની હોય કે વૈશ્વિક જન સમુદાયના કલ્યાણની, ભારત પોતાની નીતિ-રીતિથી વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મક્કમતાથી ડગ માંડી રહ્યું છે જે વિશ્વ માટે દરેક કપરી પરિસ્થિતિ સામે રક્ષણાત્મક બની રહેશે. આતંકવાદ પર કાબુ લેવાની વાત હોય કે રોહીંગ્યા જેવા સામાજીક મુદ્દા હોય, ભારતની વિદેશનીતિ અત્યાર સુધી એશિયાઇ દેશો માટે અને મહાસત્તાઓના સમર્થન સાથે દરેક સ્તરે સફળ રહી છે.
ચીન, રશિયા, જાપાન સહિતના એશિયાઇ ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર સ્થિર છે, જેથી ભારતમાં મોદી સરકાર ફરી ચૂંટાઇ આવે તે અગત્યનું બની રહે છે. કેમ કે, ચાઇના-પાકિસ્તાન ઇકોનોમીક કોરીડોર એટલે કે ચીનની મહાત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ જેવી યોજનામાં નહીં જોડાવવાના નિર્ણય પર અડગ રહીને ભારતના ભૌગોલિક સ્થાનની મહત્તા વિશ્ર્વને સમજાવીને દરિયાઇ માર્ગે વેપાર વિસ્તાર માટે કટિબદ્ધતા દર્શાવી છે અને આ માટે ઇરાનના ચાબહાર પોર્ટ વિકસીત કરવાના મહત્વપૂર્ણ કરારો કર્યા છે.
અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાજનક અને વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા હાલકડોલક કરનારી બની રહેલ છે ત્યારે ભારત માટે આવનારો સમય અનેક રીતે જવાબદારી ભર્યો અને લાભદાયી બની રહેવાનો છે. ઇરાન પરના ક્રૂડના કારણે આર્થિક પ્રતિબંધો, નોર્થ કોરિયા સાથેના અમેરિકાના અસમંજસ ભર્યા સંબંધો વગેરે પરિબળો વચ્ચે પણ ભારતે સેટેલાઇટ પ્રોગ્રામમાં સિદ્ધિ મેળવી, એનએસજી સભ્યપદ માટે સામર્થ્ય અને સમર્થન મેળવ્યુ, મસૂદ અઝહરના સંગઠન પર પ્રતિબંધો લગાવવામાં યુએનમાં સમર્થન મેળવ્યુ, સ્ટ્રાઇક બાબતે વિશ્વ ના દેશોનો સાથ મેળવ્યો, મેક ઇન ઇન્ડિયા જેવા કોન્સેપ્ટ થકી ભારતમાં વિદેશી રોકાણ લાવી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી નિકાસમાં વૃદ્ધિ કરી, બિનપરંપરાગત ઉર્જાક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ સંભાળ્યુ અને પર્યાવરણની જાળવણી સંદર્ભે ગ્લોબલ વોર્મિંગને નાથવામાં તત્પરતા દાખવી. આમ તમામ મોરચે વિશ્વરક્ષક તરીકેની ભૂમિકા ભજવવા ભારત હવે સજ્જ છે.