વિજ્ઞાનનું આધુનિક સંશોધન એટલે પ્લાસ્ટિક.દુનિયાનાં પ્રથમ સિંથેટીક પ્લાસ્ટિકનું સંશોધન 1907 માં લિયો બેકલેન્ડ દ્વારા થયું હતું. પ્લાસ્ટિકનાં સંશોધન થી ત્યારે બહુ ફાયદો થયો હતો. ભાવમાં સસ્તું, વજનમાં હળવું અને લોકોને વસ્તુ ભરીને લાવવા – લઈ જવામાં સરળ પડતું હોવાથી પ્લાસ્ટિક નો ઉપયોગ વધ્યો, સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી ગઈ.
અત્યારના સમયમાં પ્લાસ્ટિક નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પ્લાસ્ટિક આપણા જીવન માટે હાનીકારક છે, તેમ છતાં બેગ થી લઈને ચા નાં કપ સુધી પ્લાસ્ટિક નો ઉપયોગ દરેક ચીજ માં થઈ રહ્યો છે.પ્લાસ્ટિક થી થતું નુકશાન અને તેના વધતાં ઉપયોગ ને રોકવા માટે વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવાય રહ્યો છે.પ્લાસ્ટિકના ઉપયોગ થી થતા નુકસાનની જાગૃતતા ફેલાવવા માટે 3 જુલાઈ 2009 નાં દિવસ થી પૂરી દુનિયામાં “ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ ાહફતશિંભ બફલ રયિય મફુ” મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક બેગ ની ભયાનકતા થી લોકો સાવધાન થઈ રહ્યા છે. તેમ છતાં શાકમાર્કેટ થી લઈને મોટી મોટી માર્કેટ અને મોલમાં પ્લાસ્ટિક બેગ ના પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ દરેક સામાનમાં બેગ વહેંચાઈ રહી છે.
એક આંકડા પ્રમાણે દુનિયામાં દર વર્ષે 40,000 કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી ફક્ત એક ટકા પ્લાસ્ટિક બેગ નું જ રિસાયક્લિંગ થાય છે. પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ એવરેજ 30 મિનિટ માટે થાય છે પરંતુ તેનો નાશ થવા માટે 500 થી 1000 વર્ષ લાગે છે.ઘણા લોકોને ખબર નથી કે દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક એક હાનિકારક પદાર્થ છે, તેમાંયે બેગ ના રૂપમાં તેનો પ્રયોગ સૌથી વધારે થાય છે. પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ લોકોને એના પ્રત્યે જાગૃત કરવાનો અને તેના અન્ય વિકલ્પ નો ઉપયોગ કરાવવાનો છે.
કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિકના નુકસાન થી અજાણ નથી. અન્ય પદાર્થ માટીમાં મળી જાય છે પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં મળતું નથી અને પર્યાવરણને દૂષિત કરે છે. આનો દુષ્પ્રભાવ જાણતા હોવા છતાં લોકો તેનો ઉપયોગ પોતાની સગવડતા ખાતર કરે છે અને પછી ફેંકી દે છે.
નિર્દોષ પશુ પંખીઓથી લઈને પૂરી જીવ સૃષ્ટિ માટે પ્લાસ્ટિક હાનિકારક હોવા છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ થી દરિયાઈ જીવો પર પણ જોખમ વધી રહ્યું છે અને દરિયાઇ જીવો લુપ્ત થતા જાય છે. પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સિન ગેસ નીકળે છે, જે તાજી હવાને દૂષિત કરીને જીવ સૃષ્ટિને જીવલેણ રોગ તરફ ધકેલે છે.
પ્લાસ્ટિક બેગ થી થતા નુકસાનને લઇને જાગૃતિ ફેલાવવા માટે ઘણી સંસ્થા, રાજ્ય સરકાર અને પ્રશાસન દ્વારા કાર્યક્રમ ચલાવાય રહ્યા છે, પરંતુ તે પૂરતું નથી. પ્લાસ્ટિક થી મુક્તિ મેળવવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી પૂર્વક પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ સંકલ્પ લેવાની જરૂર છે. જ્યારે આપણે શાકભાજી કે કરિયાણું લેવા બજારમાં જઈએ ત્યારે ઘરેથી જ આપણી સાથે કપડાની કે કંતાન ની થેલી લઈ જવી જોઈએ. જો દુકાનદાર પ્લાસ્ટિક બેગ મા સામાન આપે તો તેને કહો કે પેપરબેગમાં આપે અથવા એવી પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ કરો કે જે ડીગ્રેડેબલ હોય.
પ્લાસ્ટિક આપણો દુશ્મન છે જે આવનારી પેઢી માટે ખતરનાક સાબિત થશે. જો પ્લાસ્ટિકનાં પ્રદૂષણથી પર્યાવરણની સાથે આપણી જાતને બચાવવી હોય તો એટલું નક્કી કરો કે ક્યારેય પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ કરવો નહીં અને આ બાબતે બીજાને પણ જાગૃત કરવા.