ક્યારે પણ નહીં જોયા હોય તેવા કેમેરા જોઈને લોકો આશ્ચર્યચકિત થયા
સુરત : ભાવેશ ઉપાધ્યાય
19 ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ખૂબ જ ઉચ્ચ સ્થાને પહોંચી ગઈ છે. કારણ કે અગાઉ એક ફોટો ક્લિક કરવામાં ઘણો સમય જતો હતો પરંતુ હવે સેકન્ડના ચોથા ભાગમાં એક સાથે 10થી 15 ફોટો પણ ક્લિક થઈ શકે છે. એક વિડીયો અને ફોટોના માધ્યમથી લોકો પોતાના ક્ષણિક મુવમેન્ટને વર્ષો સુધી યાદ રાખી શકે છે. ત્યારે ફોટોગ્રાફીના વિકાસના પણ વિવિધ પડાવો લોકોને યાદ આવી રહ્યા છે કારણ કે, અગાઉ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો અને વિડીયો લોકો પોતાની યાદ તરીકે સાચવીને રાખતા હતા. ત્યારબાદ ધીમે ધીમે ફોટો અને વિડીયો માટે ટેકનોલોજી આગળ વધી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા કે, વિડીયોથી આજે હાઈ ડેફિનેશન ફોટો વિડિયોની સફરમાં કેમેરામાં પણ ઘણી ટેકનોલોજી વિકસી છે.
સુરતના પાલ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પ્રાચીન કેમેરાનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અરિહંત સ્ટુડિયોમાં પ્રાચીન યુગના કેમેરાથી લઈને હાલ વર્તમાન સમયમાં જે કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. સુરત વાસીઓ પણ આ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રાચીન સમયમાં જે કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો હતો. આ કેમેરા જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. કારણ કે, હાલ દરેક વ્યક્તિના આંગળીના ટેરવે ફોટોગ્રાફી થઈ જાય છે પરંતુ અગાઉ આ પ્રકારે ફોટોગ્રાફી થતી ન હતી. અગાઉ એક ફોટો ક્લિક કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી અને હાલ વ્યક્તિના મોબાઇલમાં પણ એવી ટેકનોલોજી છે કે, તે હાઇ ડેફીનેશન ફોટો કે વિડિયો આંગળીના ટેરવે લઈ શકે છે.
પાલમાં જે કેમેરાનું પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાયું છે તેમાં 1839ના સમયથી જે કેમેરા ઉપયોગમાં આવતા હતા, તે કેમેરા પણ જોવા મળી રહ્યા છે અને આજે 2023ના વર્તમાન યુગમાં જે કેમેરા લોકો ઉપયોગ કરે છે તે કેમેરા પણ લોકોને જોવા મળે છે. એટલે કહી શકાય કે 1839ના સમયથી લઈ 2023 સુધીના કેમેરાનું કલેક્શન અરિહંત સ્ટુડિયો દ્વારા આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. 1839માં જે કેમેરાનો ઉપયોગ થતો હતો તે કેમેરો પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. આ કેમેરામાં ફોટો પાડવો એટલો બધો અઘરો હતો કે એક ફોટો પાડવા માટે પાંચથી સાત જેટલા લોકોને કામ કરવું પડતું હતું અને પહેલા પ્લેટમાં ફોટો પડ્યા બાદ તેને ડેવલોપ કરવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો પરંતુ હાલ વર્તમાન સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે કે વ્યક્તિ કોઈ પણ ફોટો એક ક્લિકે પોતાના ફોનમાં કેપ્ચર કરી શકે છે અને ગણતરીની સેકન્ડોમાં જ હજારો લાખો કિલોમીટર દૂર બેસેલા વ્યક્તિને આ ફોટો મોકલી પણ શકે છે.