સંગીત સાત સ્વરોની એવી રમત કે જેનું વિશ્વ આખું દિવાનું છે. પ્રાણવાયુની જેમ સંગીત પણ જીવવા માટે એક અનિવાર્ય માધ્યમ છે. દુનિયાના દરેક ખૂણામાં સંગીત જોવા મળે છે, એટલા માટે જ સંગીતને કોઈ સરહદ નડતી નથી. સંગીતના મહત્વને સમજીને, 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તમે ઘણી વાર અનુભવ્યું હશે કે તમારું મનપસંદ સંગીત સાંભળીને તમે તણાવ મુક્ત બનો છો. ઘણા ડોકટરો પણ સ્વાસ્થ્યને સારું રાખવા સંગીત સાંભળવાની સલાહ આપે છે. આ વિશે ઘણા સંશોધન પણ કરવામાં આવ્યા છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે સંગીત શરીરમાં પરિવર્તન લાવે છે. જે આરોગ્યને સુધારે છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં દર્દીઓને હતાશા અને નિરાશામાંથી બહાર લાવવા માટે સંગીતનો સહારો લેવામાં આવે છે.
સંગીત દિવસની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ?
વિશ્વ મ્યુઝિક ડેની પહેલી ઉજવણી વર્ષ 1982 માં ફ્રાન્સના સોલ્સ્ટિસમાં કરવામાં આવી હતી. તત્કાલીન ફ્રાન્સના કલા અને સંસ્કૃતિ પ્રધાન, જેક લેંગ અને મૌરિસ ફ્લ્યુરેટે, પેરિસમાં Fete de la Musique ની શરૂઆત કરી હતી. ફ્લુરેટ એક ફ્રેન્ચ સંગીતકાર, સંગીત જર્નાલિસ્ટ, તહેવારના આયોજક અને રેડિયો નિર્માતા હતા જે સંગીતની ઉજવણી માટે એક દિવસની સ્થાપના કરવામાં તેનો મહત્વપૂર્ણ હાથ હતો. અને ત્યારથી, વિશ્વના વિવિધ દેશોમાં સંગીત ખૂબ પ્રખ્યાત થયું છે.
પ્રથમ સંગીત દિવસ ખૂબ જ ખાસ હતો
પ્રથમ મ્યુઝિક ડે પર 32 થી વધુ દેશો ફ્રાન્સ સાથે જોડાયા હતા. આ દરમિયાન ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, અને આખી રાત અલગ અલગ દેશના સંગીત વગાડી ઉજવણી કરવામાં આવી હતી. હવે ભારત, ઇટાલી, ગ્રીસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, એક્વાડોર, મેક્સિકો, કેનેડા, અમેરિકા, યુકે, જાપાન, ચીન, મલેશિયા સહિતના ઘણા દેશો 21 જૂને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે.
ભારતમાં સંગીતનું મહત્વ
ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારતમાં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું.
વૈદિકકાળમાં સામવેદના મંત્રોનો ઉચ્ચાર તે સમયના વૈદિક સપ્તક અથવા સામગાન મુજબ સાતેય સ્વરોના પ્રયોગ સાથે થતો હતો. ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર શિષ્યોને ગુરુ પાસેથી વેદોનું જ્ઞાન મૌખિક રીતે જ પ્રાપ્ત થતું હતું, તેમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન એવેધ ગણાતું. આ રીતે પ્રાચીન સમયમાં વેદો અને સંગીતનું કોઇ લેખિત સ્વરુપ ન હોવાના કારણે તેનું મૂળસ્વરુપ લુપ્ત થઈ ગયું.
ભારતમાં સંગીતની જેટલી વિવિધતા જોવા મળે છે એટલી વિશ્વમાં બીજે બધે ઓછી જોવા મળે છે. ભારતમાં જેટલી વિવિધ ભાષા બોલાય છે, એટલુંજ વિવિધ સંગીત જોવા મળે છે. જેમ કે ગુજરાતમાં ગરબા, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવડી, સાઉથમાં તે લોકોનું તેલુગુ, તમિલ, કન્નડ સંગીત.
ભારતમાં તો તહેવારોમાં પણ સંગીતને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જન્માષ્ટમી પર કાનો મટકી ફોડે તેના પર ઘણા ગીતો જોવા મળશે. હોળી પર તો ગણી ના શકો એટલા મસ્ત મસ્ત ગીતોનો ખજાનો છે. શિવરાત્રીના પર્વ પર શંકરને યાદ કરી ઘણા ગીતો રચવામાં આવ્યા છે. આ સાથે નવરાત્રીમાં તો જાણે નવ દિવસ સંગીતનો જાદુ પ્રસર્યો હોય તેવો માહોલ જોવા મળે છે.