1988માં સ્થપાયેલ વોટ્સન મ્યુઝિયમમાં સ્થાપત્ય, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ જેવી વિવિધ અલભ્ય વસ્તુંઓનો સંગ્રહ જોવાલાયક છે
આજે પ્રાચિન ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણીને રક્ષણ કરતા સંગ્રહાલયની કામગીરીને બિરદાવવા આજે વૈશ્ર્વિકસ્તરે વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ ઉજવાયો હતો. હાલ 200 દેશોમાં 38 હજારથી વધુ મ્યુઝિયમ વિશ્ર્વમાં છે.
રાજકોટ ખાતેના 130 વર્ષ જૂના વોટ્સન મ્યુઝિયમ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરનાં જાણિતા ચિત્રકારો મ્યુઝિયમના વિવિધ કલાકૃત્તિનાં લાઇવ પોટ્રેટ બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં મધુર નાગર, સંજય કોરીયા, નલીન સુચક જેવા જાણિતા કલાકારોએ ભાગ લીધો હતો.
પ્રાચિન, ઐતિહાસિક, સાંસ્કૃતિક વારસાને જતન કરનાર રાજકોટના મ્યુઝિયમમાં પ્રાચિન શિલ્પ, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, લઘુચિત્રો, ધાતુ શિલ્પો, કાષ્ઠકલા, સંગીત વાદ્યો, ભરતકામ, વસ્ત્રકલા, પક્ષીઓ, પ્રાણીઓ જેવી વિવિધ પ્રાચીન વસ્તુનો સંગ્રહ છે.
મ્યુઝિયમમાં દરબાર હોલમાં નામાંકિત રાજવીની દુર્લભ તૈલચિત્રો, ફર્નીચર, રક્ષણના શસ્ત્રો જેવી વિવિધ દર્શનીય વસ્તુઓ પણ સાચવીને જતન કરાયું છે. કાઠિયાવાડનો ઇતિહાસ જાણવો હોય તો આ મ્યુઝિયમ એકવાર જોવું જ પડે છે. પુરાતત્વના વિવિધ નમૂનાઓ સાથે સિંધુ સંસ્કૃતિની વિવિધ કલાત્મક વસ્તું પણ અહીં જોવા મળે છે.
ગુજરાત રાજ્યનાં મ્યુઝિયમોમાં સમૃધ્ધ સાંસ્કૃતિક ખજાનો સચાવાયેલો છે. કલા, સંસ્કૃતિ, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી નિરૂપતા વિવિધ કક્ષાના મ્યુઝિયમોની જાગૃતિનો આજે દિવસ હોવાથી દરેક મા-બાપે સંતાનોને સંગ્રહાલયો અવશ્ય બતાવવા જરૂરી છે.
ચિત્ર કલા સૌથી પ્રાચિન કલા: નલીન સુચક.
વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ ઉજવણીએ લાઇવ પોટ્રેટમાં પ્રાચિન મૂર્તિનો સ્કેચ કરનાર જાણિતા ચિત્રકાર નલીન સુચકે ‘અબતક’ને જણાવેલ કે ચિત્રકલા સૌથી પ્રાચિનકલા છે. સંગ્રહાલયોમાં આ પ્રકારની કલાનાં વિશેષ ચિત્રો, કૃત્તિ કે શિલ્પો જોવા મળે છે.
વોટ્સન મ્યુઝિયમ શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓનું નિયમિત આયોજન કરે છે: એસ.એન.રામાનુજ-ક્યુરેટર
રાજકોટના વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર એસ.એન. રામાનુજે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે અહિં કલા, સંસ્કૃતિ, પ્રાકૃત્તિક, વિજ્ઞાન ટેકનોલોજીને નિરૂપતા વિવિધ સંગ્રહોનું જતન થાય છે, લોક જાગૃતિ કેળવાય છે. શાળા-કોલેજના છાત્રો માટે મ્યુઝિયમમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન થતું જ રહે છે.