- સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોને ટકાવી રાખવા માતૃભાષા મહત્વની
- આજે વિશ્વ માતૃભાષા દિવસ
- અન્ય ભાષાઓથી આકર્ષિત લોકોનો કક્કો વિસરાયો
વિશ્વમાં વિવિધ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે. વ્યકિત જયારથી જન્મે ત્યારથી તેનો ભાષાઓ સાથે પરીચય થાય છે પરંતુ વ્યકિતના જીવનમાં મહત્વની ભાષા હોય તો તે તેની માતૃભાષા છે. જેમ મા તે મા બીજા બધા વગડાના વા તેજ રીતે માતૃભાષા વ્યકિતના જીવનમાં માતાના સ્થાને છે. વ્યકિત બાલ્યકાળમાં સૌપ્રથમ શબ્દ માતૃભાષામાં બોલે છે. પોતાના વિચારોને સરળતાથી માતૃભાષામાં વ્યકત કરીને સુંદર વાચા આપી શકે છે. પોતાના વિચારો, લાગણીઓ, ઈચ્છાઓને અન્ય ભાષાઓ કરતા માતૃભાષામાં સરળતાથી વ્યકત કરી શકે છે. વ્યકિતના દરેક ક્ષેત્રોમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે.
કોઈપણ વ્યકિત ભલે બીજા પ્રદેશો કે દેશોમાં રહે પરંતુ તે કોઈ દિવસ પોતાની માતૃભાષાને ભુલી શકતી નથી. વ્યકિતનો પહેલો અને છેલ્લો શબ્દ તેની માતૃભાષામાં જ રહેલો હોય છે ત્યારે માતૃભાષાનો લગાવ ઓછો થઈ રહ્યો હોય તેમ લાગે છે. અન્ય ભાષાઓના રંગોમાં રંગાઈને માતૃભાષાથી વિમુખ થઈ રહ્યો છે. માતૃભાષાથી વિમુખ એટલે સંસ્કારો અને સંસ્કૃતિથી વિમુખ ત્યારે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે.
અન્ય દેશ કે પ્રદેશમાં ગુજરાતી ભાષાના ચાહકોની સંખ્યા કઈ ઓછી નથી અને ગુજરાતી ભાષા દુનિયાના કોઈપણ ખુણે ગુજરાતીપણાનો અનુભવ કરાવે છે પરંતુ આજના સમયમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતા ગુજરાતી ભાષા ખુબ ઓછા લોકો જાણતા હોય છે અથવા તો ફકત બોલી શકતા હોય છે. ત્યારે જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો બહુ ઓછા લોકો છે કે જને કક્કો આવડતો હશે. અથવા તો તે કક્કો એક સાથે સાચે સાચો એક પણ શબ્દ ભૂલ્યા વગર બોલી શકતા હશે.અમુક વ્યકિતઓ કકકો બોલવાનું જ નકારતા હોઈ છે ત્યારે પ્રશ્ન એ ઉદભવ્યો છે કે ભવિષ્યના સમયમાં માતૃભાષા સચવાશે કે કેમ ? આજના વિશ્વ માતૃભાષાના દિવસે માતૃભાષાનું સંવર્ધન કરીએ. જતન કરીએ. અન્ય ભાષાના મહત્વને સમજીને માતૃભાષાને પ્રાધાન્ય આપીએ.