ન્યૂયોર્કના લોઅર મેનહટન ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલ નજીક દોડેલી ટેરર ટ્રકે મચાવેલા આતંકને વૈશ્વિક સ્તરે વખોડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના વર્લ્ડ લીડર્સે હુમલામાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ છે કે, હવે અમેરિકામાં વિદેશીઓના પ્રવેશની તપાસ થશે અને તેના માટેની પ્રક્રિયાને વધુ આકરી બનાવવામાં આવશે.
મંગળવારે ન્યૂયોર્કમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોમલેન્ડ સિક્યોરિટીને વધુ કડકાઈ દાખવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે ટ્વિટ કરીને આની જાણકારી આપી છે. આખી દુનિયામાં સોશ્યલ મીડિયા પર ન્યૂયોર્ક એટેકને વખોડતી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકી હુમલાને વખોડતા મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ હુમલાની આકરી નિંદા કરી છે.
રાજકારણ નહીં ખેલવાની સલાહ આપતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, હુમલા બાદ હવે અમેરિકામાં આવનારા દરેક વ્યક્તિએ આકરી તપાસમાંથી પસાર થવું પડશે. રાજનીતિ પોતાના સ્થાને છે. પરંતુ આવા હુમલા પર કોઈપણ સ્વરૂપમાં રાજકારણને સહન કરવામાં નહીં આવે. ટ્રમ્પે કહ્યુ છે કે, આપણે આઈએસઆઈએસને પાછું આવવા દેવું જોઈએ નહીં.
એનવાઈસીમાં ખૂબ બીમાર અને વિક્ષિપ્ત લાગી રહેલા એક વ્યક્તિએ વધુ એક હુમલો કર્યો છે. કાયદાનો અમલ કરનારી એજન્સીઓ આના પર ઝીણવટભરી નજર રાખી રહી છે. અમેરિકામાં જ નહીં, આઈએસઆઈએસને પશ્ચિમ એશિયા અને અન્યત્ર સ્થાનો પર હરાવ્યા બાદ આપણે તેને આપણા દેશમાં પાછું આવવા દેવાની અથવા તો ઘુસવાની મંજૂરી આપવી જોઈએ નહીં. બસ બહુ થયું.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ટ્વિટ કરીને આતંકી હુમલાને વખોડતા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લખ્યું છે કે, હું અને મિશેલ હુમલા પછી જ પીડિતો સંદર્ભે વિચારી રહ્યા છીએ. તેની સાથે એ લોકોનો પણ ખ્યાલ આવી રહ્યો છે કે જે દરેક પળે ન્યૂયોર્કને સુરક્ષિત રાખવાની કોશિશો કરી રહ્યા છીએ.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને પણ ટ્વિટ કરીને કહ્યું છે કે, ન્યૂયોર્કનો આ હુમલો આપણને ડરાવવા માટે કરવામાં આવ્યો છે. જો કે આપણે આતંકવાદ વિરુદ્ધ ઉભા રહીશું અને આ દુ:ખની ઘડીમાં આપણી સંવેદના પીડિતોની સાથે છે. તાત્કાલિક કાર્યવાહી માટે એનવાઈપીડીને ધન્યવાદ.
તો બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ કાયરતાપૂર્વકની ઘટનાથી હું ચકિત છું અને મારી સંવેદના પીડિતોની સાથે છે. એકસાથે મળીને જ આતંક જેવી બુરાઈને આપણે હરાવીશું. બ્રિટન અમેરિકા સાથે છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ન્યૂયોર્કના હુમલા સંદર્ભે જાણીને હેરાન છું. મારી સંવેદના મૃતકોના પરિવારની સાથે છે. આ દુ:ખની ઘડીમાં ભારત અમેરિકાની સાથે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્ક ખાતેના આતંકી હુમલાને વખોડતા ટ્વિટ કર્યું છે કે, હું ન્યૂયોર્ક સિટીમાં થયેલા હુમલાને વખોડું છું. મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે કે જેમણે પોતાના લોકોને આ હુમલામાં ગુમાવ્યા છે અથવા જેમના લોકો હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.
બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કરીને ન્યૂયોર્ક ખાતેના આતંકી હુમલાની ખોફનાક સ્થિતિ વર્ણવી છે. પ્રિયંકા ચોપડાએ ટ્વિટમાં જણાવ્યુ છે કે, તેના ઘરથી બસ પાંચ બ્લોક દૂર આ હુમલો થયો છે. તો બીજી તરફ ન્યૂયોર્ક ખાતે દોડેલી ટેરર ટ્રેક બાદ સોશયલ મીડિયા પર ઈસ્લામ અને કટ્ટરવાદના મામલે એક અલગ પ્રકારની ચર્ચાએ પણ જોર પકડયું છે.