ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કબા ગાંધીના ડેલામાં સ્મરણાંજલી યોજાઇ: ગાંધીજીના ૧૧ વ્રતમાંથી એક પણ વ્રતને અનુસરવામાં આવે તો જીવન સફળ બની જાય
શહેરના કબા ગાંધી ડેલા ખાતે ગાંધી નિર્વાણ દિન નીમીતે જવલંત છાયાનું વકતવ્ય યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિઘાર્થીઓ તથા સીનીયર સીટીઝનો જોડાઇ કાર્યક્રમને રસપૂર્વક માળ્યો હતો. સવિશેષ ગાંધી સ્મૃતિ જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો પણ થવા જોઇએ તે પ્રકારે જવલંત છાયાએ વિઘાર્થીઓનું ઉદધોધન કર્યુ હતું.
કબા ગાંધી ડેલાના મંત્રી અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગાંધી નિર્વાણ દિન નીમીતે ગાંધીજીનું ઘર એટલે કે કબા ગાંધી ડેલા ખાતે મોહનમાંથી મહાત્મા થયાની સફર જવલંત છાયાના મુખે વાગોળવામાં આવી હતી. આ સ્મરર્ણાજલી કાર્યક્રમમાં પુજય બાપુને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ખાસ તો શાળા કોલેજના વિઘાર્થીઓને સામેલ કરવાના હેતુ વિશે જણાવ્યું કે ગાંધીજીના વિચાર આપણી વચ્ચે જીવંત રહે. વધુને વધુ યુવા પેઢીમાં તેમના વિચારો પ્રસ્તુત થાય તે હેતુથી વિઘાર્થીઓને પણ સામેલ કરાયા.
કબા ગાંધીના ડેલામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો પણ જવલંત છાયા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો તેમના જણાવ્યા અનુસાર મોહનમાંથી મહાત્મા બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતે જે વાતો ને અનુસરી તેજ વાતો લોકો સમક્ષ પ્રગટ કરી છે. ગાંધીજી કહેતા કે હું ગોળ ખાતો હોઉ તો બીજાને ગોળ ખાવાની ના કેવી રીતે પાડી શકું? આમ જયારે પોતે ૧૧ વ્રતો સત્ય, અહિંસા,ચોરી ન કરવી, અપરિગ્રહ, અસ્તેય, સ્વાર્થનો ત્યાગ, સ્વદેશી સવધર્મ સમાભાવ જેવા વ્રતો પાળ્યા અને એટલે જ તેઓએ સત્યાગ્રહ દરમિયાન આ સમગ્ર વ્રતોને અનુસર્યા.
વધુમાં વરિષ્ટ પત્રકાર જવલંત છાયાએ વકતવ્યમાં જણાવ્યું કે ગાંધીજી એવું વ્યકિતત્વ છે કે જે હજુ પણ તમામ લોકો વચ્ચે જાગૃત છે. હજુ પણ ગાંધીજીના જે અગીયાર વ્રત છે. તે વ્રતમાંથી એક પણ વ્રતને જો અનુસરવામાં આવે તો સરળતાથી જીવન સફળ બની જાય. વધુમાં જણાવ્યું કે, કબા ગાંધીનો ડેલો એ એવી જગ્યા છે કે જયાં આવવા માટે કોઇ કારણની આવશ્યકતા નથી. માત્ર શાંતિ અને સકારાત્મક ઉર્જા મળી રહે છે.
ગાંધીજીના જીવન ચરિત્ર વિશે ખાસ કરીને નવલોહીયા યુવાનો છે તેમની વચ્ચે ગાંધીજીનું જીવન ચરિત્ર મુકાય તે ખુબ જ આવશ્યક છે. ઉપરાંત ગાંધીજી અને સૌરાષ્ટ્રને બદલે ગાંધીજી અને સૌરાષ્ટ્ર એ યોગ્ય ગણાય કારણ કે ગાંધીજી માત્ર સૌરાષ્ટ્ર નહિ પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી છાપ ધરાવે છે. ગાંધી સ્મારક ગુજરાતમાં જ છે તેવું નથી. લંડનમાં પણ ગાંધીનું સ્મારક બનાવાયું છે.
ગાંધીજીના જીવનનું એક દિવસ પણ ઘણું બધુ શિખવી જાય છે. માત્ર સૌરાષ્ટ્ર નહિ પરંતુ વિશ્વ ગાંધીજીની કર્મભૂમી છે. અને રાજકોટ બાપુની સંસ્કાર ભૂમી છે. મોહનમાંથી મહાત્મા થવાની સફર રાજકોટથી શરુ થઇ અને રાજકોટ વાસીઓએ તેમને હંમેશા જીવન રાખવાનું ઉમદા કાર્ય કર્યુ છે.