સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બરે ‘વિશ્વ માનવ અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનનાં બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ પોતાના જ અધિકારોની જાણકારીનો અભાવ છે અને અન્યનાં અધિકારોની અવગણના પણ છે.
સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોનાં ખ્યાલનો વિકાસ અને ઉદભવ 13મી સદીમાં ઇંગ્લેન્ડમાં બનાવાયેલ લેખીત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા’ને ગણી શકાય, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની કટોકટીનાં કારણે તેને કાયદાનું સ્વરૂપ આપી નહતું શકાયું. આ દસ્તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા તમામ અધિકારો ‘મેગ્નાકાર્ટા’ દસ્તાવેજથી ઇંગ્લેન્ડની પ્રજાને આપવામાં આવેલ હતા. ઇ.સ. 1945માં સમગ્ર વૈશ્વીક સ્તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો હતો. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોનાં રક્ષણ અર્થે યુનો દ્વારા સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ નામનો દસ્તાવેજ બનાવવામાં આવેલો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાનાં તફાવતો વિના તમામ અધિકારો અને સ્વાતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ યુએન તા. 10 ડિસેમ્બર 1948નાં રોજ એક ઘોષણાપત્રમાં માનવ અધિકારો જાહેર કર્યા અને તેને સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી. તેથી સને. 1948થી દર વર્ષે 10મી ડિસેમ્બરને “માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશનું બંધારણ પણ આપણને કેટલાક મૂળભૂત અધિકારો આપે છે જેમાં સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ઘાર્મિક સ્વાતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંઘારણીય ઇલાજોનો હક શામેલ છે.