5 ઓકોટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ : પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, ભારતનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે : ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના
ક્રિકેટ રસિકો વર્લ્ડ કપ 2023ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેવામાં 5 ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપનું સત્તાવાર શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો રમાશે. જ્યારે વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. વિશ્વકપની સેમીફાઈનલ મુંબઈમાં યોજાવાની સંભાવના છે.
અહેવાલો મુજબ વન-ડે વિશ્વકપ-2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ દિવસે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ શકે છે. આ બંને ટીમો વર્લ્ડ કપ-2019ની ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. વર્લ્ડ કપ-2023નો નિર્ણાયક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાઈ શકે છે. અહેવાલો મુજબ આઈસીસીએ આગામી વિશ્વકપનો શેડ્યુલ તૈયાર કરી લીધો છે. હાલ ભારતમાં રમાઈ રહેલી આઇપીએલ -2023ની મેચો પૂર્ણ થયા બાદ વિશ્વકપનો શેડ્યૂલ જારી કરવામાં આવી શકે છે. આઇપીએલની 16મી સિઝનની ફાઈનલ મેચ 28 મેએ રમાશે.
મીડિયા અહેલાલોમાં દાવો કરાયો છે કે, પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ માટે ભારતની યાત્રા કરવા તૈયાર થઈ ગયું છે. અગાઉ પીસીબીએ કહ્યું હતું કે, જો ભારત એશિયા કપ-2023 માટે પાકિસ્તાન નહીં આવે તો તેઓ પણ વિશ્વકપ માટે ભારત નહીં જાય… કેટલાક અહેવાલોમાં દાવો કરાયો હતો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જોકે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાને અમદાવાદમાં રમવાથી વાંધો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેની મેચને અન્ય વેન્યૂ પર શિફ્ટ કરવામાં આવી શકે છે. અહેવાલો મુજબ પાકિસ્તાન તેની મેચો હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમી શકે છે.
વન-ડે વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે મુકાબલો થશે, જેમાં 8 ટીમો ફાઈનલ થઈ ગઈ છે. અન્ય 2 ટીમો ક્વોલિફાયર મેચ રમ્યા બાદ વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે, જેમાં દરેક ટીમ લગભગ 9-9 મેચ રમશે. યજમાન ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાયર થઈ વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી છે. જ્યારે ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ દરમિયાન રમાનારી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ બાદ અન્ય બે ટીમોને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળશે, જેમાં શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, ઓમાન, યુએઈ, આયર્લેન્ડ, નેપાળ, સ્કોટલેન્ડ અને અમેરિકાની ટીમ સામેલ છે.