- એક્ઝિબિશનમાં યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ સહિતના 14થી વધુ દેશોના મશીન ટુલ્સ અને મધર મશીનરીના ઉત્પાદકો ભાગ લેશે
- પ્રદર્શન થકી એક છત નીચે માર્કેટીંગ, નવી ટેકનોલોજી સંશોધન અને વૈશ્ર્વિક પ્રવાહોને સુગ્રથિત કરવાનો પ્રયાસ: યોગીન છનીયારા
મશીન ટુલ્સ ઉત્પાદન ક્ષેત્ર ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતાં રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા માટે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા આગામી આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજકોટના આજી જી.આઇ.ડી.સી નજીકના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે વિશ્ર્વ કક્ષાનું મશીન ટુલ્સ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. આ પ્રદર્શનમાં દેશ-વિદેશના મશીન ટુલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે. એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ મશીન ટુલ્સ પ્રદર્શન સ્થળે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારાએ મશીન ટુલ્સ શોની વિગતો આપી હતી.
તેમણે જણાવ્યુ હતું કે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા દર બે વર્ષે મશીન ટુલ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ નવમું આંતરરાષ્ટ્રિય પ્રદર્શન છે. વર્ષ 2006માં પ્રથમ વખત લગ્ન મંડપના ગાળા હોય તેવા ગાળામાં પ્રદર્શન યોજાયુ હતું. પરંતુ રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી છે જે આજે 682 ફૂટ લાંબા બે સેન્ટ્રલી એ.સી.ડોમમાં પરીવર્તિત થયું છે. તેની સાથે મશીન ટુલ્સ એસો.એ પણ વિકાસની શક્યતાઓ વિસ્તારી છે. ત્યારે આવતીકાલથી 28 સપ્ટેમ્બર રાજકોટના આજી જીઆઇડીસી નજીકના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ મશીન ટુલ્સ અને કે. એન્ડ ડી. કોમ્યુનિકેશન દ્વારા નવમો મશીન ટુલ્સ યોજાશે. જેમાં વિશ્ર્વના 14થી વધુ દેશોના મશીન ટુલ્સ અને મધર મશીનરીના ઉત્પાદકો ભાગ લેશે.
આ પ્રદર્શન ન માત્ર રાજકોટ પરંતુ દેશભરના મશીન ટુલ્સ ઉત્પાદકો માટે એક બિઝનેશ ટુર જેવા સાબિત થશે. મશિન ટુલ્સ ક્ષેત્રે વિશ્ર્વમાં થયેલા આધુનિક સંશોધનો અને તેમને મળેલી સફળતા વિષે એક છત નીચે જ પ્રત્યક્ષ ડેમો સાથે જાણકારી મળશે.
યોગીન છનિયારાએ જણાવ્યુ હતું કે વિશ્ર્વકક્ષાના મશીન ટુલ્સ શો’ના ગત પ્રદર્શન થકી સીધી રીતે જ અંદાજે 700 કરોડના કરારો થયા હતાં. જર્મની, જાપાન સહિતના દેશોના પ્રતિનિધિઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ મશીન ટુલ્સ પ્રદર્શનમાં પણ વિશ્ર્વના 14થી વધુ દેશો યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રીકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઈવાન, ચાઈના, જાપાન, કોરીઆ, ઈટાલી, યુ.એ.ઈ., થાઈલેન્ડ અને સિંગાપોર ઉત્પાદકો ભાગ લેશે અને મશીન ટુલ્સ ક્ષેત્રે સારા માહોલમાં આ પ્રદર્શન વધુ સફળ થવાનો અમોને વિશ્ર્વાસ છે.
આ પ્રદર્શનની મુલાકાત નિ:શુલ્ક રહેશે. આ પ્રદર્શનની મુલાકાત લેવા મશીન ટુલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને રાજકોટ મશીન ટુલ્સ એસો.એ તથા કે.એન્ડ ડી કોમ્યુનિકેશને અપીલ કરી હતી.
આ સમગ્ર એક્ઝીબીશન માટે મશીન ટુલ્સ મેન્યુફેક્ચર્સ એસોશિએશન રાજકોટના હોદેદારો યોગીન છનીયારા (પ્રમુખ), હરેશ પટેલ (ઉપ-પ્રમુખ), તેજસ દુદકીયા (સેક્રેટરી), દેવલ ઘોરેચા (જો. સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેક્ટરો સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, પીયુષ ડોડીયા, અશ્ર્વિન કવા, કેતન ગજેરા, બીપીન સિધ્ધપુરા, ઘનશ્યામ પરમાર, હરેશ ડોડીયા, રવિ મારૂ અને કે એન્ડ ડી કોમ્યુનીકેશન લીમીટેડ અમદાવાદ, કમલેશભાઈ ગોહીલ, અમીતભાઈ મિસ્ત્રી તથા તેમની ટીમ છે.
આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના મશીન જેવા કે લેથ મશીન, સી.એન.સી. મશીન, વી.એમ.સી. મશીન, પાવર પ્રેસ, હાઇડ્રોલીક પ્રેસ, પ્રેસ બ્રેક, મીલીંગ મશીન, શીયરીંગ મશીન, સ્લોટીંગ મશીન, વેલ્ડિંગ મશીન, પ્લેટ બેન્ડીંગ મશીન, પ્લાનીંગ મશીન, ડ્રીલ મશીન, ગ્રાઈન્ડીંગ મશીન, હેકસો મશીન, વાયર પ્રોડકટ મશીન, વુડ વર્કિંગ મશીન તથા સ્પેશીયલ પરપઝ મશીન હશે. આ પ્રદર્શનમાં અંદાજીત 60,000થી વધારે લોકો મુલાકાત લેશે.
આંતરરાષ્ટ્રીય મશીન ટુલ્સ શો’ની હાઇલાઇટ
- એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે કાલથી 28 સપ્ટેમ્બર સવારે 10 થી સાંજે 6 વાગ્યા મશીન ટુલ્સ શો
- 60 હજાર ચોરસ મીટરના વિશાળ એરિયામાં 12 હજાર ચોરસ મીટરમાં સ્ટોલ એરિયા
- 682 ફૂટ લાંબા બે સેન્ટ્રલી એ.સી.ડોમ
- જુદા-જુદા 16 વિભાગોમાં પથરાયેલું છે આ પ્રદર્શન
- વિશ્ર્વના 14 થી વધુ દેશોના ઉત્પાદકો મશીન ટુલ્સ શો’માં ભાગ લેશે
- ગત પ્રદર્શનમાં 700 કરોડના બિઝનેશ કરારો થયા હતાં
- પ્રદર્શન થકી એક જ છત નીચે માર્કેટીંગ, નવી ટેકનોલોજી સંશોધનો અને વિશ્ર્વિક પ્રવાહોને સુગ્રથિત કરવાનો પ્રયાસ
- રાજકોટ મશીન ટુલ્સ એસો. અને કે.એન્ડ ડી કોમ્યુનિકેશનનું આયોજન
- આ પ્રદર્શનને સફળ બનાવવા 500થી વધુ લોકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે
મેઇડ ઇન રાજકોટ વૈશ્ર્વિક હરિફાઇમાં એમએનસીને હંફાવે
રાજકોટના મશીન ટુલ્સ ઉત્પાદકો માટે એવું કહેવાય છે કે તેને કોઇ મશીન એક વખત બતાવો તો તે મશીન પોતાના નાના એકમમાં પણ બનાવી કાઢે. મલ્ટીનેશનલ કંપનીની તુલનાએ રાજકોટના ઉત્પાદકોના મશીન પર્ફોર્મન્સ અને પ્રાઇઝમાં હરિફાઇ કરે તેવા હોય છે. આવા ઉત્પાદકો માટે મશીન ટુલ્સ પ્રદર્શન માર્કેટીંગનું ઘર બેઠા પ્લેટફોર્મ બની જાય છે. મેડ ઇન રાજકોટ મશીન ટુલ્સ હવે દેશભરમાં વેંચાય છે. વિદેશમાં પણ અનેક જગ્યાએ રાજકોટના ઉત્પાદનો વેંચાય છે.
રાજકોટ મશીન ટુલ્સ ઉદ્યોગ વિકાસની ભરે છે હરણફાળ
રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગ સાથે અંદાજે બે હજારથી વધુ એકમો જોડાયા છે. જેમાં 350થી વધુ એકમો દેશ અને વિશ્ર્વની બ્રાન્ડ બની ચુક્યા છે. સી.એન.સી. મશીન, પાવર પ્રેસ, લેથ સહિતના અનેક ક્ષેત્રોમાં આજે રાજકોટ નંબર વન છે. રાજકોટ મશીન ટુલ્સ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત 2200 કરોડનું છે. રાજકોટ મશીન ટુલ્સ ઉદ્યોગ રોજગારી સર્જનનું રાજકોટનું મોટુ ક્ષેત્ર બની ચુક્યું છે.