નીરજે છઠ્ઠા પ્રયાસમાં 85.71 મીટર દૂર ભાલો ફેંક્યો હતો જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો, કુલ 23 પોઈન્ટ સાથે ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. નીરજે ઝુરિચ ડાયમંડ લીગમાં બીજું સ્થાન મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. નીરજે છઠ્ઠા પ્રયાસમાં 85.71 મીટર દૂર ભાલો ફેંક્યો હતો જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ચેક રિપબ્લિકના જૈકબ વાડલેચ પ્રથમ અને જૂલિયન વેબર (જર્મની) ત્રીજા ક્રમે રહ્યા હતા. વાડલેચે ચોથા પ્રયાસમાં 85.86 મીટરનો થ્રો કર્યો હતો. ઝુરિચમાં નીરજ ચોપરાનું પ્રદર્શન એટલું સારું નહોતું અને તેણે ત્રણ થ્રો ફાઉલ કર્યા હતા. માત્ર નીરજના પ્રથમ, ચોથા અને છઠ્ઠા પ્રયાસો જ માન્ય હતા. નીરજ ચોપરાએ કુલ 23 પોઈન્ટ સાથે ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ડાયમંડ લીગની ફાઇનલમાં કુલ છ ખેલાડીઓ ભાલા ફેંક સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.

ડાયમંડ લીગમાં જૈવલિન થ્રોનો આ ચોથો અને છેલ્લો લેગ રહ્યો હતો. નીરજે દોહા ડાયમંડ લીગમાં 88.67 મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું હતું. જ્યારે લુસાને ડાયમંડ લીગમાં પણ તેણે 87.66 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.ડાયમંડ લીગની ફાઈનલ 16 અને 17 સપ્ટેમ્બરે યુજેનમાં યોજાવાની છે. દરેક રમતવીરને ડાયમંડ લીગના એક લેગમાં પ્રથમ સ્થાન માટે 8, બીજા માટે 7, ત્રીજા માટે 6 અને ચોથા સ્થાન માટે 5 પોઈન્ટ આપવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઝુરિચમાં 2022 ગ્રાન્ડ ફિનાલે જીત્યા બાદ તે ડાયમંડ લીગ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.